મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક નજીક સામાજિક કાર્યકર ઉપર અગાઉની અંગત બોલાચાલીનો ખાર રાખી એક શખ્સે ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે અત્રેના બી ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવતા, પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી-૨ માળીયા-વનાળીયામાં લાયન્સ સ્કૂલ બાજુમાં રહેતા મોહનભાઇ નરસિંહભાઈ સોલંકી ઉવ.૬૧ કે જેઓ સામાજિક કાર્યકર છે, અને તેમના સમાજમાં સામાજિક કાર્ય કરે છે, તેઓએ મોરબી સરકારી હોસ્પિટલ ખાતેથી બી ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી દિનેશભાઇ બાબુભાઇ વાળા રહે. નજરબાગ ભડીયાદ મોરબી-૨ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, આજથી ત્રણેક માસ અગાઉ આરોપી દિનેશભાઇ તેમના સમાજના લોકોને હેરાન કરતા હોય જેથી મોહનભાઇએ તેમને સમજાવતા તે સમયે બન્ને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો. જે બાબતનો ખાર રાખી ગઈકાલ તા.૧૬/૦૯ના રોજ મોહનભાઇ મોરબી-૨ નટરાજ ફાટક પાસે તેમના મિત્ર સાથે ઉભા હોય ત્યારે આરોપી દિનેશભાઇ ત્યા આવી મોહનભાઇને ગાળો આપી ઢીકા પાટુનો માર મારવા લાગેલ જે બાદ આજુબાજુથી લોકો એકઠા થઇ જતા જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી ત્યાંથી ચાલ્યો ગયો હતો. હાલ પોલીસે આરોપી દિનેશભાઇ વાળા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે