ટંકારા: ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે લોકપ્રિય અધિકારી શ્રી ગિરીશ આર. સરૈયાને ફરી એકવાર વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ આદેશ પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોનના શ્રી મહેશ એસ. જાની (IAS) દ્વારા જારી કરવામાં આવ્યો છે. શ્રી સરૈયા હાલ વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે અને તેઓએ ટંકારા નગરપાલિકામાં પોતાની મૂળ ફરજો ઉપરાંત સપ્તાહમાં ઓછામાં ઓછા બે દિવસ ફરજ બજાવવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે શ્રી ગિરીશ સરૈયાએ અગાઉ પણ ટંકારા નગરપાલિકાનો હવાલો સંભાળ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન અધૂરી રહેલી અનેક યોજનાઓ પર તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ખાસ કરીને, સરકારી જગ્યાઓ પર દબાણ હટાવવાની નોંધપાત્ર કામગીરીથી તેમણે નગરજનોની ખૂબ લોકચાહના મેળવી હતી. તેમની કોઠાસૂઝ અને આજુબાજુની કચેરીઓમાંથી જરૂરી સાધન-સામગ્રીનો ઉપયોગ કરી વિકાસ કાર્યોને વેગ આપવા માટે તેઓ જાણીતા છે.
ટંકારા નગરપાલિકામાં અટકેલી યોજનાઓને ફરીથી ગતિ આપવા અને નગરજનોને હેરાનગતિ ન થાય તેની કાળજી રાખવા માટે શ્રી સરૈયાની નિમણૂકને નગરજનોએ આવકારી છે. તેમની નિમણૂકના સમાચારથી ટંકારા નગરમાં આનંદનો માહોલ છવાયો છે, અને નગરજનોને અપેક્ષા છે કે તેમના નેતૃત્વમાં નગરપાલિકાના વિકાસ કાર્યો નવી ઊંચાઈઓ સર કરશે.