મોરબીના શનાળા રોડ ઉપર ઍક્સેસ મોટર સાયકલની ડેકીમાં વિદેશી દારૂની મોંઘીદાટ બોટલ લઈને નીકળેલ યુવકને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. આ સાથે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા દારૂના સપ્લાયરના નામની કબુલાત આપી હતી. હાલ પોલીસે ઍક્સેસ તથા દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા રોડ છોટાલાલ પેટ્રોલપંપ નજીક ઍક્સેસ મોપેડ રજી.નં. જીજે-૩૬-એજી-૫૪૫૪માં સવાર આરોપી વિજયભાઈ મુળુભાઈ કોડીયાતર ઉવ.૧૯ રહે. વાવડી રોડ રાધાપાર્ક સોસાયટી મૂળ રહે. ગામ બોડી તા.માળીયા હટીના જી.જૂનાગઢ વાળાને રોકી તેની તલાસી લેતા, ઍક્સેસ મોપેડની ડેકીમાંથી વિદેશી દારૂ બ્લેકડોગ સ્કોચ-વ્હિસ્કીની એક બોટલ કિં.રૂ. ૨,૦૫૬/-મળી આવી હતી. જેથી પોલીસે ઍક્સેસ તથા દારૂની બોટલ સહિત કુલ રૂ.૩૨,૦૫૬/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પકડાયેલ આરોપી વિજયભાઈની પ્રાથમિક પૂછતાછમાં આ વિદેશી દારૂની બોટલ આરોપી ભુપેન્દ્રભાઈ ઉર્ફે ભુપત જયસુખભાઈ વાઘેલા રહે.કાલિકા પ્લોટ મોરબી વાળો આપી ગયો હોવાનું જણાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.