મોરબીમાં ફર્ન હોટલ નજીક આવેલ જનકપુરી સોસાયટીમાં યુવક ઉપર સગા માસીના દીકરા સહિતના ચાર શખ્સો દ્વારા યુવક ઉપર હુમલો કર્યા અંગેના બનાવમાં અત્રેના બી ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ હથિયારના ગુનામાં પકડાયેલ શખ્સની પોલીસને બાતમી આપ્યા અંગેની શંકાનો ખાર રાખી હુમલો કર્યો હતો. હાલ ભોગ બનનારને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.
મળતી માહિતી મુજબ, મોરબી-૨ નેશનલ હાઈવે નજીક જનકપુરી સોસાયટીમાં રહેતા મનોજભાઈ ઉર્ફે શનીભાઈ બળદેવભાઈ સોલંકી ઉવ.૪૦એ પોતાના સગા માસીના દીકરા આરોપી અમિતભાઇ, પાર્થ અમિતભાઇ તથા અજાણ્યા બે ઈસમો સહિત ચાર વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી મનોજભાઈના માસીના દીકરા અમીતનું ત્રણ વર્ષ પહેલાં હથિયારના ગુનામાં નામ આવતા તે જેલમાં ગયો હતો અને બાદમાં જામીન ઉપર છૂટ્યો હતો. તે બાબતે આરોપી અમીતે ફરિયાદી મનોજભાઈને કહ્યું હતું કે, તે જ પોલીસને બાતમી આપી હતી જે બાબતે બન્ને વચ્ચે મતભેદ ચાલી રહ્યો હતો. જે બાબતનો ખાર રાખી તા. ૧૭/૦૯ની રાત્રે દસ વાગ્યાના અરસામાં, મનોજભાઈ ઘરે પરત આવતા હોય ત્યારે મનોજભાઈના ઘર પાસે આરોપી અમીત અને તેનો પુત્ર પાર્થ ત્યાં હાજર હતા. વાતચીત દરમ્યાન અમીત ઉશ્કેરાયો અને આરોપી પાર્થ દ્વારા મનોજભાઈને ગાળો આપી ધોકા વડે માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન આરોપી અમિતે કોઈકને ફોન કરતા એક કાળા કલરની થાર ગાડીમાં અજાણ્યા બે ઈસમો આવ્યા હતા અને તેઓએ ફરિયાદી મનોજભાઈને ગાળો આપી પકડી રાખતા, આરોપી અમિતે પોતાના પાસે રહેલ છરીથી મનોજભાઈને થાપાના ભાગે ત્રણ ઘા મારી દેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે આજુબાજુના લોકો એકઠા થઇ જતા ચારેય હુમલાખોર જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા.
ત્યારે બનાવ બાદ ફરિયાદી મનોજભાઈને સારવાર સબબ પ્રથમ મોરબીની સમર્પણ હોસ્પિટલમાં લાવતા, ત્યાંથી તેમને વધુ સારવાર માટે સાર્થક હોસ્પિટલ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. તેઓની હોસ્પિટલના આઇસીયુંમાં સારવાર ચાલુ હોય, હાલ બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો હેઠાક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.