મોરબી તરફથી આવતી કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી કાર ઉપર પડતા ચાલકનું મૃત્યુ.
ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક ડિવાઈડર કૂદીને સામેથી આવેલી કાર પર બીજી કાર પડી જતા ટંકારા ગાયત્રીનગર સોસાયટીના ૪૪ વર્ષીય દેવેન્દ્રભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ ઈજાગ્રસ્તને રાજકોટની સિનેર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર કારગત ન નિવડતા તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે સમગ્ર બનાવ અંગે અકસ્માત સર્જનાર સફેદ કારના ચાલક વિરુદ્ધ મૃતકના ભાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક ૧૫ સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં ટંકારા નિવાસી દેવેન્દ્રભાઈ શામજીભાઈ ભાલોડીયાનું મોત થયું છે. તેઓ રાજકોટ અમૂલ ડેરીમાં નોકરી કરતા હતા અને રોજ કાર દ્વારા આવનજાવન કરતા હતા. ઘટના રાત્રે આશરે ૧૧ વાગ્યે મિતાણા નજીક મેલડી માતાજીના મંદિર પાસે બની હતી, જેમાં સફેદ કલરની કાર રજી. નં. જીજે-૦૩-એમએચ-૪૦૮૬ ના ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડ અને ગફલતથી ચલાવતા સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી દેવેન્દ્રભાઈની અલ્ટ્રો કાર રજી.નં. જીજે-૩૬-એફ-૮૬૭૮ ઉપર પડતા અંદર દેવેન્દ્રભાઈ કારમાં દબાઈ ગયા હતા. જ્યારે અકસ્માત સર્જી આરોપી કાર ચાલક પોતાની કાર મૂકીને નાસી ગયો હતો.
અકસ્માત બાદ દેવેન્દ્રભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને રાજકોટની સિનેર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન બીજા દિવસે તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે મૃતકના ભાઈ નિલેશભાઈ ભાલોડીયાએ ટંકારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.