ત્રણ મહિલા સહિત ૬ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો.
વાંકાનેર ખાતે પાડોશીઓ વચ્ચે એક્ટીવા લાઇટના મુદ્દે થયેલા વિવાદમાં ઘર ઉપર લાઈટ ન પાડવાનું કહેતા ત્રણ મહિલા સહિત ૬ શખ્સોએ મળીને પાડોશી ઉપર લોખંડના પાઇપ અને ઢીકા-પાટુથી હુમલો કર્યો હતો. પીડિતને ગંભીર ઇજાઓ થતાં પ્રાથમિક સારવાર બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોપીઓએ પીડિતને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
વાંકાનેર શહેરમાં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે થયેલો વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. મળતી માહિતી મુજબ તા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫ની રાત્રે ફરિયાદી રામાભાઈ માનાભાઈ સિંધવ ઉવ.૪૫ રહે વાંકાનેર ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડની બાજુમાં પોતાના પરિવાર સાથે ઘરે સુતા હતા. આ દરમિયાન તેમના ઘર સામે આરોપી સમદ જાનમામદભાઈ મોડ તથા સેજુ ઓસમાણભાઈ એક્ટીવા રાખી તેની લાઇટ ચાલુ કરી રહ્યા હતા. ત્યારે ફરિયાદી દ્વારા લાઇટ બંધ કરવાનું કહેતા પ્રથમ બંને આરોપી શખ્સોએ ગાળો આપી ઢીકા-પાટુથી માર મારી ચાલ્યા ગયા હતા, આ અંગે ફરિયાદી આરોપી સમદની માતા સાયરાબેનને તમામ હકીકત કહેવા જતા, ત્યારે સાયરાબેન સાથે મુમતાજબેન અને નિલોફરબેન સહિતની પરિવારની મહિલાઓ દ્વારા ગાળો આપી મારપીટ કરી હતી. જેથી ફરિયાદી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આરોપી સમદ, આરોપી સેજુ અને આરોપી સોહિલ તેમ ત્રણેય આવી લોખંડના પાઇપ વડે આડેધડ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા, ત્યારે ફરિયાદીને સારવાર અર્થે વકાબેર બાદ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ ફરિયાદીની સારવાર ચાલુ હોય જે બાદ ફરિયાદી એ ત્રણ મહિલા સહિત છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.