પાયલોટિંગ કરતી સ્કોર્પિયો સહિત ૧૭.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે, કુલ ચાર સામે ગુનો.
મોરબી: મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા ખાનગી માહિતીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી બોલેરો પીકઅપ ગાડીમાં ચોરખાનામાં છુપાવેલ બિયરના જંગી જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પાયલોટિંગ કરતી સ્કોર્પિયો ગાડી સહિત કુલ રૂ.૧૭.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ સાથે આ કેસમાં એક ઇસમને ફરાર જાહેર કરી કુલ ચાર આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસ મથકના ગુનો નોંધાયો છે.
મોરબી એલ.સી.બી. ટીમને ખાનગીરાહે બાતમી મળી હતી કે, જુના દેવળીયા ગામના કલ્પેશભાઇ જયંતીભાઇ અઘારા બોલેરો પીકઅપ રજી. નં. જીજે-૩૬-વી-૮૩૨૩માં ઘર વપરાશના સામાનની આડમાં ચોરખાનું બનાવી બિયરના ટીન છુપાવીને મોરબી તરફ જઇ રહ્યા છે, અને તેમની સાથે સ્કોર્પિયો રજી.નં. જીજે-૩૬-એજે-૩૯૦૦ ગાડી પાયલોટિંગ કરી રહી છે. જે આધારે એલસીબી પોલીસ ટીમ વાંકાનેરના રાણેકપર ગામના બોર્ડ પાસે વોચ ગોઠવી હતી, તે દરમિયાન બોલેરો પીકઅપ અને સ્કોર્પિયો ત્યાંથી પસાર થતા તેને અટકાવવામાં આવી હતી. તપાસ કરતા ગાડીમાં બનાવેલા ચોરખાનામાંથી કિંગ ફીશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રિમીયમ બિયરના ૧૬૮૦ ટીન કિ.રૂ. ૩,૬૯,૬૦૦/- મળી આવ્યા હતા. આ સાથે આરોપી કલ્પેશકુમાર જયંતીભાઇ અઘારા, કલ્પેશભાઇ ઉર્ફે બાબો જેઠાભાઇ કલોતરા તથા યોગેશભાઇ શનાભાઇ સીસા ત્રણેય રહે.જુના દેવળીયા તા. હળવદ વાળાની અટકાયત કરી હતી. આ કેસમાં એક આરોપી વિજયભાઇ જયંતીભાઇ અઘારા રહે. જુના દેવળીયા તા. હળવદવાળાને ફરાર દર્શાવવામાં આવ્યો છે. જ્યારે પોલીસે બોલેરો પીકઅપ, સ્કોર્પિયો કાર, પાંચ નંગ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ. ૧૭,૧૯,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે.