મોરબીના વાવડી રોડ પર શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા કપડાના વેપારીની સ્વીફ્ટ કાર એપાર્ટમેન્ટના જ પાર્કિંગમાંથી ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. સ્વીફ્ટ કારની તેમની ઓળખાણના મિત્ર દ્વારા લઈ જવામાં આવી હતી. હાલ કાર ચોરીના બનાવ મામલે પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.
મોરબી શહેરના વાવડી રોડ, રાધાપાર્ક ખાતે શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા ૨૬ વર્ષીય કપડાના વેપારી કરણભાઈ અનિલભાઈ બારડે પોતાની કાર ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, કરણભાઈ પાસે મારૂતી સ્વીફટ કાર રજી. નં. જીજે-૨૭-ઈડી-૦૦૦૪ જેની કિં.રૂ. ૪.૫૦ લાખ છે. ગઈ તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સવારે તેઓ કપડાનો વેપાર કરવા બહાર ગયા હતા અને તેમની પત્ની કાજલબેન નોકરીએ ગયેલી. ઘરમાં માત્ર માતા જયશ્રીબેન જ હતાં. ત્યારે બપોરે અંદાજે ૨.૩૦ વાગ્યે ફરિયાદીના ઘર પાસે મોમાઈ ડેરીના હિરેન્દ્રભાઈએ ફોન કરીને જાણ કરી કે, “તમારી કાર લાંબા વાળ વાળો એક વ્યક્તિ લઈને વાવડી ચોકડી તરફ ગયો છે.” જેથી ઘરે પહોંચ્યા બાદ માતાએ જણાવ્યું કે, ફરિયાદી કરણભાઈનો મિત્ર કબીર મલાણી ઘેર આવ્યો હતો અને ઘર બંધ કરવાના બહાને ફ્રિજ ઉપર પડેલી કારની ચાવી લઈને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તે કાર લઈને જતો રહ્યો. કબીરની ઓળખાણ કરણભાઈને તેમના મિત્ર ચિરાગ જાદવે કરાવી હતી. અગાઉ પૈસાની બાબતે ચિરાગ અને કબીર સાથે ઝગડા થતા હોવાથી કબીરે ખાર રાખી કાર ચોરી કરી લઈ ગયો હતો. જેથી કાર ચોરી અંગે પ્રથમ ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ રૂબરૂ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચોર આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.