તમામ જ્ઞાતિની બહેનોને વિનામૂલ્યે પ્રવેશ, બહેનોની સુરક્ષા માટે મહિલા બાઉન્સરોનો કડક બંદોબસ્ત : તિલક કરીને જ તમામને એન્ટ્રી અપાશે : સેલ્ફીઝોન, ફૂડ ઝોન, મેડિકલ સેવા સહિતની સુવિધાઓ સાથે સ્વંય સેવકોની મોટી ફોજ રહેશે ખડેપગે
મોરબી : મોરબીમાં બીજાના ભલામાં આપણું ભલું એવી સદભાવનાને સાકાર કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રતિ વર્ષ મુજબ 16માં વર્ષે પણ સર્વ જ્ઞાતિ માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દર વખતની જેમ તમામ જ્ઞાતિની બહેનો, દીકરીઓ, મહિલાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે અર્વાચીનની સાથે પ્રાચીન થીમ પર પણ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ નવરાત્રી મહોત્સવમાં બહેનો, દીકરીઓની સુરક્ષાને ધ્યાને લઈને મહિલા બાઉન્સરોનો વિશેષ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. માતાજીની ભક્તિની સાથે આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસા ઉજાગર કરતા વૈવિધ્યસભર કાર્યક્રમો પણ યોજાશે.
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 22થી 30 સપ્ટેમ્બર દરમિયાન રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં આ વખતે વિશેષ આકર્ષણો ઉમેરાયા છે. ખાસ તો આ વર્ષે પણ બહેનોને નિઃશુલ્ક એન્ટ્રી રાખવામાં આવી જ છે. સાથે સાથે માતાજીના આ પર્વમાં તમામ લોકોને તિલક કરીને જ પ્રવેશ આપવામાં આવશે. મોરબી અને મુંબઈના ખ્યાતનામ કલાકારો પ્રાચીન અને અર્વાચિન ગરબા ગાઈને ખેલૈયાઓને મજા કરાવી દેશે. આ નવરાત્રી મહોત્સવમાં સેલ્ફી ઝોનનું આકર્ષણ હશે. સાથે ફૂડ ઝોન અને મેડિકલ સુવિધા પણ હશે. મહોત્સવ દરમિયાન વિવિધ સામાજિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. સમાજ સેવામાં વિશેષ યોગદાન આપનાર મહાનુભાવોનું અહીં સન્માન પણ કરવામાં આવશે.
નવરાત્રી મહોત્સવના આયોજન અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે સંકલ્પ નવરાત્રી મોરબીની સંસ્કૃતિ, સમરસતા અને એકતાનું પ્રતિક છે. આ નવરાત્રી મહોત્સવ આજે માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ સમાજમાં સમરસતા, એકતા અને સાંસ્કૃતિક જતનનું સશક્ત મંચ બની ગયો છે. આ નવરાત્રી મહોત્સવનું મુખ્ય ધ્યેય માતા જગદંબાની આરાધના સાથે સમાજના દરેક વર્ગને જોડીને સાચા અર્થમાં એકતા અને ભાઈચારો સ્થાપવાનો છે. સંકલ્પ નવરાત્રી મહોત્સવ અંગે વધુ વિગત માટે મો.6356200007 અથવા મો.8000827577 ઉપર સંપર્ક કરી શકાશે.
કડક સુરક્ષા વ્યવસ્થા હશે : મહિલા બાઉન્સરો પણ તૈનાત કરાશે
સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં બહેનોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મોટી સંખ્યામાં અહીં બાઉન્સરો તૈનાત કરવામાં આવશે. જેમાં મહિલા બાઉન્સરોની પણ મોટી ટિમ અહીં ખડેપગે રહેશે.
9 સ્થાનકોએથી માતાજીની ચુંદડી બાંધી અહીં રખાશે, લોકો શક્તિ સૂત્ર પણ બાંધી શકશે
અંબે માતાજી – અંબાજી, ચામુંડા માતાજી -ચોટીલા, ખોડિયાર માતાજી -માટેલ, મહાકાળી માતાજી – પાવાગઢ, આશાપુરા માતાજી -માતાના મઢ, મોમાઈ માતાજી – મોરાગઢ, રવેચી માતાજી-રાવ (કચ્છ), મોગલ માતાજી- મોગલધામ, ઉમિયા માતાજી- ઊંઝા ખાતેથી માતાજીની ચુંદડી લાવી અહી રખાશે. જેની પૂજા-અર્ચના સાથે લોકો અહીં શક્તિ સૂત્ર બાંધી શકશે. બાદમાં એ શક્તિ સુત્રોને શક્તિપીઠ ખાતે અર્પણ કરવામાં આવશે.
શરણાઈ અને ઢોલના તાલે પ્રાચીન રાસના રાઉન્ડ યોજાશે
સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે ત્રીજા નોરતેથી વિશેષ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઈ ગીત નહિ હોય, શરણાઈ અને ઢોલના તાલે પ્રાચીન રાસ રમવાનો રહેશે. આમ ખેલૈયાઓ આપણી સંસ્કૃતિ મુજબના પહેલાના જમાનાના રાસને પણ માણી શકશે.