વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામથી વાંકાનેર બાઉન્ડ્રી સામાન લેવા મોટર સાયકલ લઈને જઈ રહેલ બે રાજસ્થાની યુવકને આઇસર ટ્રકે ઠોકરે ચડાવતા, બંને યુવક રોડ ઉપર પટકાયા હતા, જેમાં મોટર સાયકલ ચાલકને પેટના ભાગે અને શરીરે ઇજાઓ પહોંચી હતી જ્યારે પાછળ બેઠેલ યુવકને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું ૬ દિવસની સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના ઉદેયપુર જીલ્લાના દેમત ગામના વતની હાલ વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા રણજીતભાઈ રમેશભાઈ દરોગા ઉવ.૨૦ અને તેની સાથે ખેતરમાં મજૂરી કામ કરતા અનિલભાઈ દિનેશભાઇ બોડાત રહે. રાજસ્થાન વાળા એમ બંને યુવક ગઈ તા.૧૪/૦૯ના રોજ વાડી-માલીકના ભાઈનું હીરો હોન્ડા ડિલક્ષ મોટર સાયકલ રજી.નં. જીજે-૦૧-યુઈ-૨૮૯૪ લઈને સમઢીયાળા ગામથી વાંકાનેર બાઉન્ડ્રી સમાન લઈને પરત જતા હોય ત્યારે મેસરીયા ગામના બોર્ડ પાસે નકલંક હોટલ સામે પહોંચ્યા હતા, આ દરમિયાન આઇસર ટ્રક રજી.ન. જીજે-૦૩-સીયુ-૭૦૯૧ના ચાલકે પોતાનું વાહન બેદરકારી પૂર્વક ચલાવી હાઇવે ઉપર દિવાઇડરની કટમાંથી અચાનક રોડ ક્રોસ કરી ઉપરોક્ત ડબલ સવારી મોટર સાયકલને હડફેટે લેતા, મોટર સાયકલ આઇસર ટ્રક સાથે અથડાયું હતું, જેથી બન્ને યુવકો રોડ ઉપર પટકાયા હતા. જેમાં ચાલકને પેટમાં અને શરીરે તથા પાછળ બેસેલ અનિલભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા, બંને યુવકોને કુવાડવા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં અનિલભાઈનું ચાલુ સર્વત દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે