મોરબી તાલુકાના લાલપર ગામે ચાની લારી પર છુટ્ટા સિક્કા પરત ચુકવણીને લઈને થયેલી બોલાચાલી બાદ વિવાદ ઉગ્ર બન્યો હતો. બોલાચાલી બાદ લાકડીઓ, પથ્થરો, બેઝબોલના ધોકા અને છરી વડે હુમલો થતા બંને પક્ષના લોકોને ઈજા પહોંચી હતી. જે મામલે પોલીસ સમક્ષ બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદ નોંધાતા, તાલુકા પોલીસે કુલ ૧૦ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે.
મોરબી તાલુકાના લાલપર ગામે ચાની લારી પર ચા પીધા બાદ પૈસા ચુકવણી વખતે સિક્કા પરત આપવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ મોટો વિવાદ સર્જાયો હતો. જેમાં પ્રથમ પક્ષના જગદિશભાઈ બચુભાઈ રબારી ઉવ.૪૧ રહે. લાલપર ધાર વિસ્તાર વાળાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના ભત્રીજા રામજીભાઈની લારી પર ચા પીધા બાદ આરોપી ગફાર દાઉદભાઈના દીકરાઓ આફતાબ, માસુમ તથા ભત્રીજા મોઈને ચુકવણી વખતે નોટ ન હોવાના કારણે બોલાચાલી કરી હતી. બાદમાં સમાધાન માટે તેઓ ગફારના ઘરે ગયા ત્યારે આફતાબે બેઝબોલના ધોકા તથા છરી વડે હુમલો કર્યો હતો. સાથે મોઈન, માવર તથા અન્યોએ લાકડી વડે માર માર્યો હતો. આ હુમલામાં ફરિયાદી સહિત ભગવાનજીભાઈ તથા અન્ય અનેક લોકોને ઈજા પહોંચી હતી. ડોક્ટરે ફરિયાદીના પડખાની હાડકી તૂટી હોવાનો તેમજ હાથમાં છરીની ઈજા થયેલ હોવાનું જાહેર કર્યું હતું. જે બાદ ફરિયાદીએ એક મહિલા સહિત ૬ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે, ગફાર દાઉદભાઈ ઠેબા ઉવ.૪૬ રહે. લાલપર ગામ રામદેવનગર સોસાયટી વાળાએ વળતી ફરિયાદ નોંધાવી છે. ગફારભાઈની ફરિયાદ મુજબ, પહેલા થયેલી બોલાચાલી બાદ આરોપી જગદિશભાઈ રબારી, દેવરાજભાઈ ભગાભાઈ રબારી, રામજીભાઈ ગોવિંદભાઇ રબારી, ભગવનજીભાઈ કરશનભાઇ રબારી સહિતના લોકો લાકડીઓ લઈને ગફારભાઈના ઘરે આવ્યા હતા અને પથ્થર ફેંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં ગફારભાઈને હાથમાં ફ્રેક્ચર તથા માથામાં ઈજા પહોંચી હતી, જ્યારે તેમની ભત્રીજી ફિરજાબેનને પણ માથામાં ટાંકા લેવાં પડ્યા હતા, જેથી તેઓએ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
હાલ તાલુકા પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ ૧૦ લોકો સામે ગુનો નોંધ્યો છે. ત્યારે પોલીસે બનાવ અંગે આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.