મોરબી જીલ્લામાં તા.૨૧ સપ્ટેમ્બરના રોજ અલગ અલગ સ્થળોએ અમૃત્યુમાં ત્રણ વ્યકિતઓના મોત થયા હતા. જેમાં મોરબી શહેરમાં ૨૨ વર્ષની યુવતી છઠ્ઠા માળેથી પડી જતા, માળીયા તાલુકાના વવાણીયા ગામે ૧૯ વર્ષનો યુવાન તળાવમાં ડૂબી જતાં અને ટંકારા તાલુકાના ઓટાળા ગામે ૮૦ વર્ષના વૃધ્ધા ચા બનાવતી વખતે દાઝી જતાં મોતને ભેટ્યા હતા. ત્રણે બનાવોમાં પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવમાં, રવાપર ઘુનડા રોડ શક્તિ ટાઉનશીપ-૨, નંદનવન હાઈર્ટસ ફ્લેટ નં.૬૦૨માં રહેતા ચાર્મીબેન ધર્મેશભાઈ કાલાવડીયા ઉવ.૨૨ નામની યુવતી ગત તા.૨૧/૦૯ની રાત્રે સાડા દસેક વાગ્યાના સમયે છઠ્ઠા માળેથી ગેલેરીમાંથી પડી ગઈ હતી. જેથી તેણીને માથામાં ગંભીર ઇજા થતાં તેને તરતજ ખાનગી એમ્બ્યુલન્સ મારફતે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ,
માળીયા(મી)ના વવાણીયા ગામે રહેતા કુલદીપભાઈ વિઠ્ઠલભાઈ ખીમાણીયા ઉવ.૧૯ તા.૨૧/૦૯ના રોજ સાંજે માતાજીના મંદિરનો સરસામાન ધોવા માટે ગામના તળાવ કાંઠે ગયો હતો. જ્યાં પગ લપસાતા તે પાણીમાં પડી ગયો અને ડૂબી જતાં મોતને ભેટ્યો હતો. તેને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ ગયાનું જાહેર કર્યું હતું.
આ ઉપરાંત ત્રીજા અમૃત્યુની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા શાંતાબેન શીવાભાઈ છીપરીયા ઉવ.૮૦ પોતાના ઘરે ચા બનાવતી વખતે તેમની સાડીનો છેડો ચુલાની આગને અડી જતાં દાઝી ગયા હતા. જેથી તેમને તાત્કાલિક રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
અપમૃત્યુના ત્રણેય બનાવોને લઈને પોલીસે અલગ અલગ અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.