વાંકાનેરમાં ખાનગી કો.ઓપરેટિવ બેંકના લોનના બાકી હપ્તાની ઉઘરાણી બાબતે વાતચીત દરમિયાન બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ સામસામે મારામારી શરૂ થઈ હતી. જે મારમારીમાં બંને પક્ષના સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા. હાલ સમગ્ર બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ૬ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ ફરિયાદમાં ફરિયાદી જયેશભાઈ મહેશ્વરભાઈ ઓઝા ઉવ.૫૯ રહે. વાંકાનેર માર્કેટ ચોક ઓઝ શેરીમાં રહે છે, અને ઓમ ગાયત્રી કો.ઓ.પ્રા.લી.મંડળીમાં એજન્ટ તરીકે નોકરી કરે છે. તેઓએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી જય જીતેન્દ્રભાઈ જયસ્વાલ, કિશન જીતેન્દ્રભાઈ જયસ્વાલ તથા જીતેન્દ્રભાઈ રમણિકભાઈ જયસ્વાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ઉપરોજત આરોપી જય તથા તેમના પિતાજી જીતેન્દ્રભાઈએ સને ૨૦૧૮ ની સાલમાં મંડળીમાંથી લોન લીધેલ હોય જે લોનના હપ્તા આરોપીઓ છેલ્લા આઠ નવ મહીનાથી ભરતા ન હોય તે પૈસા માંગવા જતા આ કામના આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી જયેશભાઈને ગાળો આપી ઝપાઝપી કરી માર મારી છુટ્ટી કાચની બોટલના ઘા કરી ફરીને માથામાં તથા આખના નીચેના ભાગે નાની મોટી ઇજાઓ કરી મારી નાખવાની ધમકી આપી ગુનામાં એકબીજાને મદદગારી કરી હતી. જ્યારે સામે પક્ષની ફરિયાદ મુજબ, ફરિયાદી જયદિપભાઈ જીતેન્દ્રભાઈ જયસ્વાલ ઉવ.૨૫ એ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા મુજબ, ફરીયાદી જયદીપભાઈ તથા તેમના ભાઈ કિશનભાઈ પોતાની કોલ્ડડ્રિંક્સની દુકાને હોય આ દરમ્યાન આ કામના આરોપી જયેશભાઇ મહેશ્વરભાઈ ઓઝા ત્યાં આવી લોનના બાકી હપ્તાના પૈસાની માંગણી કરી ગાળા ગાળી બાદ ઝપાઝપી કરવા લાગ્યા હતા તેમજ આરોપી આકાશભાઈ જયેશભાઇ ઓઝા તથા આરોપી રૂષભ જયેશભાઇ ઓઝા ફરિયાદી અને તેમના ભાઈને તથા પિતાજીને જીતેન્દ્રભાઈને ઢીકાપાટુનો મુંઢમાર મારી અને આ ત્રણેય આરોપીઓએ દુકાનમાં રાખેલ કાચની સોડાની બોટલો તથા કાચના ગ્લાસના છુટ્ટા ઘા કરી ફરીયાદીને તથા તેના ભાઈ-પિતાજીને ઇજાઓ પહોંચાડી ટાટીયા ભાંગી નાખવાની અને ચેક રીટન કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
હાલ વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે, ત્યારે બંને પક્ષના કુલ છ આરોપીઓ વિરુદ્ધ પોલીસે બીએનએસ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.