સૂક્ષ્મ, નાના અને મધ્યમવર્ગના ઉદ્યોગો માટે કાર્ય કરતા ભારતના સૌથી મોટા ઉદ્યોગ સંગઠન લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આજે ટંકારા તાલુકા ઇકાઇની ઘોષણા કરવામાં આવી છે.
લઘુ ઉદ્યોગ ભારતી – મોરબી જિલ્લા દ્વારા ટંકારા તાલુકા ઇકાઈની ઘોષણા કરવામાં આવી છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ઉપસ્થિત મહાનુભાવોના પરિચય સાથે કરવામાં આવી હતી. ટંકારા તાલુકાના પ્રમુખ તરીકે રાજેશભાઈ સવસાણીને નિમણૂક આપવામાં આવી છે. જ્યારે મંત્રી તરીકે દિનેશભાઈ સંઘાત, ઉપ પ્રમુખ તરીકે અનિલભાઈ સંઘાણી તો સહમંત્રી તરીકે હર્ષદભાઈ કાનાણીને જવાબદારી સોંપાઈ છે. મહત્વનું છે કે, ટંકારા તાલુકામાં ૩૦૦ થી વધુ નાના મોટા ઉદ્યોગો આવ્યા છે. જેના પડતર પ્રશ્નોના નિવારણ તેમજ આગામી સમયમાં સરકારની યોજનાઓ અને ઉદ્યોગનીતિનો વધુમાં વધુ લાભ ટંકારાના ઉદ્યોગોને મળે તે દિશામાં કાર્ય કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ મહામંત્રી હંસરાજભાઈ ગજેરા, અખિલ ભારતીય કાર્યકારિણી સમિતિના સભ્ય ભીમજીભાઈ ભાલોડિયા, સૌરાષ્ટ્ર સંભાગના મહામંત્રી જયભાઈ માવાણી, મોરબી જિલ્લાના પ્રમુખ દિનેશભાઈ હરિપરા અને મોરબી જિલ્લાના મહામંત્રી ઉત્તમભાઈ ત્રાસડીયા સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશના મહામંત્રી હંસરાજભાઈ ગજેરાએ સંસ્થાનો પરિચય કરાવ્યો હતો અને પ્રદેશ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, લઘુ ઉદ્યોગ ભારતી હંમેશા ઉદ્યોગ હિતના રક્ષણ માટે અગ્રેસર રહી કાર્યરત રહે છે. જેનો વધુ માં વધુ લાભ ટંકારા તાલુકાને મળે તે દિશામાં નવી ટીમે કાર્ય કરવું જોઈએ. નવ નિયુક્ત હોદેદારોના નામની જાહેરાત મોરબી જિલ્લાના પ્રમુખશ્રી દિનેશભાઈ હરિપરા દ્વારા કરવામાં આવી હતી અને મોરબી જિલ્લાના મહામંત્રી ઉત્તમભાઈ ત્રાસડીયાએ સૌને સંસ્થાની કાર્યપદ્ધતિ થી સૌને અવગત કર્યા હતા. અંતમાં ટંકારા તાલુકાના નવનિયુક્ત પ્રમુખ રાજેશભાઈ સવસાણી દ્વારા આભારીવિધિ કરવામાં આવી હતી.