મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે સીરામીક સીટી સામે રોડ ઉપર આગળ જઈ રહેલા ટ્રક-કન્ટેઇનરના ચાલકે ટ્રેક ચેન્જ કરી અચાનક બ્રેક મારતા, પાછળ આવતો ટ્રક, કન્ટેઇનર સાથે અથડાયો હતો. જે અકસ્માતમાં ટ્રકના ચાલકને છાતી તથા પગમાં ગંભીર ઇજાઓ પહોચતા પ્રથમ મોરબી બાદ રાજકપટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક-કન્ટેઇનર ચાલક અકસ્માતના સ્થળે પોતાનું વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો.
મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મોરબી શહેરના વીસીપરા ચાર ગોદામ પાસે રહેતા ગોરધનભાઇ કરમશીભાઈ મકવાણા છેલ્લા ૧૦ મહિનાથી પડધરી વાળાનો ટ્રક રજી.નં. જીજે૦૧-ડીયુ-૫૦૯૬ નડિયાદ આણંદ ટાઇલ્સમાં ચલાવતા હોય ત્યારે ગત તા.૨૩/૦૯ના રોજ સાંજે ગોરધનભાઇ ઉપરોક્ત ટ્રક લઈને વાંકાનેર તરફથી મહેન્દ્રનગર જતા હોય તે દરમિયાન મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે સીરામીક સીટી સામે પહોચતા આગળ જઈ રહેલા ટ્રક-કન્ટેઇનરના ચાલકે કોઈપણ સિગ્નલ આપ્યા વિના ટ્રેક ચેન્જ કરી અચાનક હાઇવે ઉપર બ્રેક મારી પોતાનું વાહન રોડ ઉપર ઉભું રાખી દીધું હતું, જેથી કન્ટેઇનર પાછળ ગોરધનભાઇનો ટ્રક ધડાકાભેર અથડાયો હતો. આ અકસ્માતમાં ગોરધનભાઇ ટ્રક કેબિનમાં દબાઈ ગયા હતા, ત્યારે તેઓને તાત્કાલિક બહાર કાઢી મોરબી સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ વિભાગમાં દાખલ કર્યા હતા, જ્યાંથી બીજા દિવસે વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન ગોરધાનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બીજીબાજુ અકસ્માત સર્જી ટ્રક-કન્ટેઇનર ચાલક નાસી ગયો હતો, ત્યારે સમગ્ર અકસ્માતની ઘટના મામલે મૃતક ગોરધનભાઇ પુત્ર ગેલાભાઈ ગોરધનભાઇ મકવાણા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ટ્રક-કન્ટેઇનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.