મનોદિવ્યાંગ બાળકોની દેખભાળ કરતા તેમના માતાઓનું વિશેષ સન્માન કરાયું : એ-વન સ્પોર્ટ્સ એકેડમીની 10 દીકરીઓ કરાટેના વિવિધ દાવ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા
મોરબી : મોરબીમાં તહેવારોની અનોખી રીતે ઉજવણી કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે આયોજીત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ચોથા નોરતે મનોદિવ્યાંગ બાળકોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ નારાયણ સ્વરૂપ આ બાળકોએ મહોત્સવને ખૂબ આનંદથી માણ્યો હતો.
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં બહેનોને નિઃશુલ્ક એન્ટ્રી છે. ગઈકાલે ચોથા નોરતે આ મહોત્સવમાં શ્રી મા મંગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળાના 29 મનો દિવ્યાંગ બાળકોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ બાળકોએ પોતાના વાલી સાથે પધારી નવરાત્રી મહોત્સવને માણ્યો હતો. આ કાર્યમાં સંસ્થાના, કૈલા દુર્ગાબેન નરેન્દ્રભાઈ, કોટેચા દેવ્યાનીબેન (દિપાબેન)ચેતનભાઈ, જાની હર્ષિદાબેન સતીષભાઈ, સાણદિયા અંજનાબેન મુકેશભાઈ, ટીંલવા મયુરીબેન શામજીભાઈ, શિલ્પાબેન ભટાસણાનો સહયોગ મળ્યો હતો. આ વેળાએ માતાઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.
વધુમાં ગઈકાલે રાત્રે એ-વન સ્પોર્ટ્સ એકેડમીની 10 દીકરીઓએ કરાટેના વિવિધ દાવ રજૂ કર્યા હતા. એકથી એક ચડિયાતા કરાટે દાવ જોઈને સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ સંકલ્પ નવરાત્રી મહોત્સવ સમાજમાં સમરસતા અને એકતાનું સશક્ત મંચ બન્યો છે. નવરાત્રી માણી શકવા સમર્થ નથી તેઓને અહીં આમંત્રિત કરીને બોલાવી માતાજીની આરાધનાના આ પર્વમાં સહભાગી બનાવવામાં આવે છે.