માળીયા(મી): કચ્છથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં મુસાફરી દરમિયાન ડ્રાઇવરને બસ ધીમી ચલાવવાનું કહ્યાની બાબતે બોલાચાલી થતાં અમદાવાદના યુવક સાથે ડ્રાઇવર અને તેના મિત્રોએ મળીને મારપીટ કરી હતી. પીડિતની ફરિયાદ આધારે માળીયા(મી) પોલીસે ડ્રાઇવર સહિત ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે.
માળીયા(મી) નજીક હાઇવે રોડ ઉપર સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ નામની હોટલે અમદાવાદના યુવક ઉપર હુમલો થયાની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના ભીલવાસ દાણી લીમડા વિસ્તારમાં રહેતા રમેશભાઇ ભીખાભાઈ દાફડા ઉવ.૩૨ ગઇ તા.૨૩/૦૯ના રોજ પોતાની સાસુ કમળાબેન સાથે કચ્છથી અમદાવાદ આવવા “પવન ટ્રાવેલ્સ”ની લક્ઝરી બસ રજી. નં. એમપી-૪૪-ઝેડઈ-૯૯૯૯ માં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે આ બસનો ચાલક બસ બરાબર ચલાવતો ન હોય, ખાડા-ટેકરામાં પણ બસ ધીમી ચલાવતો ન હોય જેથી માળીયા(મી) નજીક સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ હોટલ પહેલા સૌથી પાછળ બેઠેલ ફરિયાદી રમેશભાઈએ બસ ધીમી ચલાવવાનું કહેતા બસના ડ્રાઇવરે ગંદી ગાળો આપી બોલાચાલી કરી હતી. જેથી ગાળો આપવાની ના પાડતા, બસના ચાલકે પોતાના મિત્રોને ફોન કરેલ હતો. જે બાદ બસ હોટલ પાસે ઉભી રાખવામાં આવી અને ફરિયાદી વોશરૂમમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતા ડ્રાઇવર અસ્લમ પોતાના બે સાથીદારો સાથે ઉભો હતો. આરોપીઓમાંથી બંને અજાણ્યા યુવકો લાકડાના દંડા લઈને આવ્યા હતા. કોઈ પણ વાત કર્યા વગર તેઓએ ફરિયાદી પર હુમલો કર્યો હતો. ડ્રાઇવર અસ્લમે લાતોફેંટો મારી જ્યારે તેના મિત્રોએ દંડાથી માર મારી ફરિયાદીના ડાબા પગ અને હાથમાં ઇજાઓ પહોંચાડી હતી આ દરમિયાન આસપાસના લોકો ભેગા થતાં આરોપીઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. બાદમાં બસનો બીજો ડ્રાઇવર આવતાં પીડિત પોતાના સાસુ સાથે માળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. હાલ માળીયા(મી) પોલીસે બસના ચાલક તથા તેના બે અજાણ્યા સાથીદારો સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.