ટ્રાફિક જામ વચ્ચે ટ્રકચાલકની ગેરજવાબદારીભર્યા ડ્રાઇવિંગથી મોપેડને નુકસાન.
મોરબી શહેરના ત્રાજપર ચોકડી પાસે ટ્રાફિક જામ હોવા છતાં ટ્રકચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી મોપેડને પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં મોપેડને અંદાજિત રૂ.૨૦,૦૦૦નું નુકસાન થયું હતું. અકસ્માત મામલે મોપેડ ચાલકની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ, ફરિયાદી મેહુલભાઈ અનંતરાય પિત્રોડા ઉવ.૪૨ રહે. મોરબી-૨ વૃંદાવન પાર્ક કેસરકુંજ એપાર્ટમેન્ટ વાળાએ આરોપી ટ્રક રજી.નં. જીજે-૧૨-બીએક્સ-૮૮૮૩ના ચાલક રણછોડભાઇ હમીરભાઇ નીરાસીત રહે-હાલ નવાગામ તા-ભચાઉ જી.ભુજ(કચ્છ) મુળ ગામ-હરીપુરા (કોકતા) તા.સમી જી.પાટણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ સાંજના અરસામાં મોરબી-૨ ત્રાજપર ચોકડી પાસે ફરિયાદી પોતાના હીરો પ્લેઝર રજી. નં.જીજે-૦૩-એચજે-૩૧૩૮ સાથે ટ્રાફિક જામમાં ઊભા હતા, તે દરમ્યાન પાછળથી ઉપરોક્ત ટ્રકના આરોપી ચાલકે પોતાનો ટ્રક બેદરકારીપૂર્વક અને ઝડપથી હંકારી આવતા મોપેડને જોરદાર ટક્કર મારી હતી. જેથી મોપેડ આગળ ઉભેલા બીજા ટ્રક નીચે ઘુસી જતાં, મોપેડની આગળ તથા પાછળના ભાગે અંદાજીત રૂ. ૨૦,૦૦૦નું નુકસાન થયું હતું. હાલ પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ એમવી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.