મોરબીની શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે આઠમની મહાઆરતી પાછળનો ભવ્ય દેખાડો, એન્ટ્રી કે ખર્ચાને ટાળી, એ જ રકમ પાટીદાર સમાજની આર્થિક જરૂરિયાત ધરાવતી ૫૦ બહેન-દીકરીઓને અર્પણ કરવાનો અનોખો ઉપક્રમ હાથ ધરાયો છે. આ આરતીમાં યજમાન તરીકે કિશનભાઈ ગામીનો પ્રેરણાદાયી વિચાર સમાજ દ્વારા સ્વીકારાયો છે.
મોરબીમાં દર વર્ષે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવની આઠમની મહાઆરતી ભવ્ય સજાવટ, એન્ટ્રી અને ભારે ખર્ચા સાથે ઉજવાય છે. પરંતુ વર્ષ ૨૦૨૫માં આ પરંપરાગત ભવ્યતાને એક અનોખા માનવીય કાર્ય સાથે જોડવામાં આવ્યું છે. આ વર્ષે મહાઆરતીના યુવા યજમાન કિશનભાઈ ગામીએ આગવો વિચાર રજૂ કર્યો કે આરતી પાછળ થતો ખર્ચ ટાળીને તે જ રકમ પાટીદાર સમાજની આર્થિક જરૂરિયાત ધરાવતી બહેન-દીકરીઓના જીવનમાં મદદરૂપ થાય, આ વિચારને શ્રી ઉમિયા નવરાત્રી સમિતિએ તાત્કાલિક સ્વીકાર્યો અને નક્કી કરાયું કે આ વર્ષે આઠમની મહાઆરતી ૫૦ દીકરીઓ દ્વારા ઉતારાશે. સાથે જ, યજમાનપદનું સન્માન કિશનભાઈ ગામીએ બદલે સમાજની જરૂરિયાતમંદ બહેન-દીકરીઓને અર્પણ કર્યો છે.
સહાય માટેની લાયકાત અંગે ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ફક્ત પાટીદાર સમાજની અપરણિત દીકરીઓનો સમાવેશ થશે, ખાસ કરીને જેમના માતા-પિતા કે પિતા હયાત ન હોય અને અન્ય આર્થિક સહારો ન હોય. અંતિમ નિર્ણય માટે સમાજના આગેવાનો અને સમિતિ સભ્યોની ભલામણને ધ્યાનમાં લેવામાં આવશે. આર્થિક સહાયનો લાભ યોગ્ય દીકરીઓને મળે તે માટે સમાજના દરેક સભ્યને નામ નોંધાવવા વિનંતી કરવામાં આવી છે. નામ નોંધાવવા શ્રી કેતનભાઈ વિલપરા, શ્રી એમ. વી. દલસાણીયા તથા કિશનભાઈ ગામી સાથે સંપર્ક કરવા અપીલ કરાઈ છે.