હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે સુખપર ગામની સીમમાં આવેલ વાડીની પતરા વાળી ઓરડીમાંથી વિદેશી દારૂની વિવિધ ક્ષમતા અને બ્રાન્ડની ૯૯ બોટલ સાથે વાડી-માલીક સહિત બે ઇસમોની અટક કરી છે, આ સાથે પોલીસે દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લેવમાં આવતું મોપેડ સહિત કુલ રૂ.૪૩,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
હળવદ પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે, સુખપર ગામના ભાવસંગ ગોહિલ પોતાની વાડીની ઓરડીમાં રાખેલ વિદેશી દારૂનો જથ્થો લેવા ભાવસંગ સહિત અન્ય એક ઈસમ નંબર પ્લેટ વિનાના એકટીવા મોપેડમાં જઈ રહ્યા છે, અને હાલ તેવો બન્ને વાડીની ઓરડી પાસે છે, જેથી તુરંત પોલીસ ટીમે ઉપરોજત વાડીએ રેઇડ કરતા, વાડીમાં આવેલ પતરાની ઓરડીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની કુલ ૯૯ બોટલ કિ.રૂ.૧૩,૯૦૦/-મળી આવી હતી, આ સાથે પોલીસે આરોપી ભાવસંગ અભેસંગ ગોહિલ ઉવ.૩૦ તથા યુવરાજભાઈ ભુપતભાઇ મકવાણા ઉવ.૨૭ બન્ને રહે. સુખપર ગામ તા.હળવદ વાળાની અટક કરી છે. જ્યારે નંબર પ્લેટ વગરનું એકટીવા કે જેનો ઉપયોગ દારૂની હેરાફેરી કરવા માટે કરતા તે તેમજ વિદેશી દારૂ સહિત પોલીસે રૂ.૪૩,૯૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.