હળવદના રણછોડગઢ ગામે પાંચ વર્ષ જૂના વિવાદને પગલે પડોશી માતા-પુત્રે ૭૦ વર્ષીય વૃદ્ધા પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાડોશીની દીકરીને ભગાડી જવાનો ખાર રાખી વૃદ્ધાને ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
હળવદ તાલુકાના રણછોડગઢ ગામે ગઈ ૨૮ સપ્ટેમ્બરના રોજ સાંજે ૭ વાગ્યે કુવરબેન બાબુભાઈ મોલાડીયા ઉવ.૭૦ રહે. હાલ રણછોડગઢ મૂળરહે. કટુડા તા.જી.સુરેન્દ્રનગર નામના વૃદ્ધા પોતાના ઘરે રસોઈ બનાવતા હતા ત્યારે બાજુમાં રહેતા જાલુબેન સંધુભાઈ ફીસડીયા અને તેનો દિકરો તેજાભાઈ ઘરમાં ઘુસી આવ્યા હતા. તેઓએ આશરે પાંચ વર્ષ પહેલાં કુવરબેનના દીકરાએ જાલુબેનની દીકરીને ભગાડી લગ્ન કર્યાં હતાં તે મુદ્દે ગાળો આપી ઝઘડો કર્યો હતો. કુવરબેને ગાળો આપવાની ના પાડતા તેજાભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને હાથમાં રહેલ લાકડાના ધોકા વડે તેમના પગના ઢીંચણના ભાગે ઘા મારી દીધો હતો. ત્યારે વધુ મારથી બચવા કુવરબેન બાજુમાં આવેલી દુકાનમાં જતા રહ્યા હતા, જે બાદ તેજાભાઈ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ પરથી ચાલ્યા ગયા હતા. હાલ કુવરબેને બન્ને આરોપી માતા-પુત્ર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.