ટંકારા તાલુકામાં પાલનપીરના મેળામાં પાર્કિંગના મુદ્દે થયેલ જૂના વિવાદને પગલે ધ્રુવનગર ગામના યુવકે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ઉપર હુમલો કર્યો હતો. પાઇપના ટુકડાથી માથા ઉપર ઘા મારી ઇજા પહોંચાડતા પીડિતને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામમાં રહેતા દિનેશભાઈ ખેંગારભાઈ ગોહેલ ઉવ.૩૫ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી રવજીભાઈ પોલાભાઈ રાણવા રહે.ધ્રુવનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, આશરે ૧૫ દિવસ પહેલાં હડમતીયા ગામ ખાતે પાલનપીર મંદિરે ભરાયેલા મેળામાં પાર્કિંગને લઈને થયેલ વિવાદને લઈને ગત તા.૨૭/૦૯ના સાંજના અરસામાં ફરિયાદી દિનેશભાઇને આરોપી રાવજીભાઈનો ફોન આવેલ અને ગાળો આપવા લાગતા, જે બાબતે પૂછતા આરોપીએ કહ્યું કે, પાલનપીર મેળામાં મારી ફોરવ્હીલ કેમ જવા ન દીધી” અને ત્યાર બાદ ફરિયાદી મોરબી તરફથી પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે ધ્રુવનગર ગામ અને ટંકારા વચ્ચે આરોપી રવજીભાઈ પોલાભાઈ રાણવા તેમની પાછળ-પાછળ આવી તેના હાથમાં લોખંડના પાઇપના ટુકડાનો દિનેશભાઈના કપાળ ઉપર ઘા કર્યો હતો. આ હુમલામાં દિનેશભાઈને ગંભીર ઇજા થતાં તેઓ પહેલાં ટંકારા હોસ્પિટલ અને ત્યારબાદ મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. હાલ ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે