ટંકારા તાલુકાના વિરપર ગામ પાસે આવેલા મહિન્દ્રા ટ્રેકટર શોરૂમમાં વ્યાજના લેણાની ઉઘરાણીના વિવાદને કારણે આસ્થા ફાયનાન્સર વાળાએ તેના સાગરીત સાથે શોરૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને સ્ટાફને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને બળજબરીપૂર્વક ટ્રેકટરની ચાવી ઝૂંટવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. હાલ પોલીસે મુખ્ય આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીમાં પંચવટી સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ મહાદેવભાઈ અંબાણી ઉવ.૫૮ નામના વેપારીએ ટંકારા પોલીસ સમક્ષ આરોપી દિનેશભાઇ ગગુભાઈ મકવાણા રહે.મોરબી તથા એક અજાણ્યા ઈસમ સહિત બે આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે, પ્રવીણભાઈ પોતાના પુત્રો સાથે વિરપર ગામની સીમમાં “મારૂતિ મહિન્દ્રા ટ્રેકટર શોરૂમ” ચલાવે છે. ફરિયાદી પ્રવીણભાઈના નાના દીકરા જયભાઈએ છ વર્ષ પહેલા આરોપી દિનેશભાઈની “આસ્થા ફાઇનાન્સ” પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા જે હજુ સુધી પરત કર્યા ન હોય જે બાબતનો ખાર રાખી ગઈકાલે તા. ૩૦/૦૯ના સાંજના અરસામા એક વ્હાઇટ કલરની કાર રજી.નં. જીજે-૩૬-એપી-૭૭૧૧ માં આરોપી દિનેશભાઈ ગગુભાઈ મકવાણા અને તેની સાથે એક અજાણ્યો માણસ ટ્રેક્ટરના શોરૂમ ખાતે આવ્યા હતા. ત્યારે શોરૂમના સ્ટાફે પ્રવિણભાઈ હાજર નથી એવું જણાવતા જ આરોપી દિનેશભાઈ ગુસ્સે થઈને સ્ટાફને ગાળો આપવા લાગ્યા હતા. તેઓએ પ્રવિણભાઈ અને તેમના પુત્ર જયને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ સ્ટાફને ધમકાવીને શોરૂમ ખાલી કરાવી દીધું અને સ્ટાફ મહિલા સમક્ષ પણ અશોભનિય વર્તન કર્યું હતું. ત્યારબાદ બળજબરીપૂર્વક ટ્રેકટરની ચાવી ઝૂંટવી અને ટ્રેકટરમાં બેસી ઝઘડો ચાલુ રાખ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા પ્રવિણભાઈના પુત્ર નીખિલે ૧૧૨ પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી દિનેશભાઈની અટક કરી હતી, જ્યારે તેમની સાથેનો અજાણ્યો ઈસમ કાર લઈને નાસી ગયો હતો. હાલ ટંકારા પોલીસે બન્ને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૨), ૩૨૯(૩), ૩૫૧(૩), ૩૫૨ અને ૫૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.