હળવદ તાલુકાના મીયાણી ગામે પિતા પોતાની ૩ વર્ષીય પુત્રી સાથે તળાવમાં ન્હાવા ગયા હતા. અચાનક પાણીમાં ડૂબી જતાં બન્નેનું કરૂણ મોત થયું હતું. પોલીસે અકસ્માત મરણનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મીયાણી ગામની સીમમાં આવેલ રંગાસરી તળાવ પાસે દુર્ઘટના બની હતી. જેમાં હળવદ તાલુકાના મીયાણી ગામની સીમમાં રાજુભાઇ શીવાભાઇ લોરીયાની વાડીમાં રહેતા અને મૂળ છોટાઉદેપુર જીલ્લાના ચીમલી ગામના આમલી ફળીયાના વતની સંજયભાઇ પારસીંગભાઇ રાઠવા ઉવ.૪૧ અને તેમની પુત્રી ક્રિષ્નાબેન ઉવ.૦૩ બંને તા. ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સાંજે પિતા-પુત્રી તળાવમાં ન્હાવા ઉતર્યા હતા. આ દરમિયાન પાણીમાં ડૂબી જતાં બંનેનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહોને બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યારે આ કરૂણ બનાવની મૃતક સંજયભાઈની પત્ની લીલાબેન પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી પોલીસે આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.