મોરબીના પાડાપુલ ઉપર બનેલા અકસ્માતમાં ઘાયલ થયેલા ૨૯ વર્ષીય મદદનીશ ઇજનેરને સારવાર દરમ્યાન અચાનક હૃદયમાં તકલીફ થતાં મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માત મરણનો કેસ દાખલ કર્યો છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ અ.મોતની નોંધ બાબતે મળતી માહિતી અનુસાર, રાહુલભાઇ મનસુખભાઇ પરમાર ઉવ.૨૯ રહે. મોરબીના લાતીપ્લોટ પાછળ ચંદ્રેશનગર યદુનંદન-૧૯માં રહેતા હતા અને નર્મદા વિભાગમાં સિંચાઈ વિભાગમાં મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ગત તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ બપોરે મોરબી-૨ પાડાપુલ ઉપર હોન્ડા એક્ટીવા જીજે-૩૬-એન-૫૦૦૯ લઈને ઓફિસના કામેથી પરત ફરી રહ્યા હતા. પાડાપુલ ઉપર આગળ જતા અન્ય મોટર સાયકલની સાઈડ કાપવા જતા, હેન્ડલ અથડાતા રાહુલભાઇનું એક્ટીવા બેકાબુ થઈ ગયું અને તે લોખંડની રેલીંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં રાહુલભાઈને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારે પ્રથમ તેમને મોરબી ડૉ. હેમલ પટેલની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સાંજે ૮:૧૫ વાગ્યે તેમને ઓપરેશન માટે લેવામાં આવ્યા હતા, પરંતુ અડધી કલાકમાં જ અચાનક હૃદયમાં તકલીફ થતાં તેમની હાલત નાજુક બની હતી. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલ ખસેડવામાં આવતા, જ્યાં ડોક્ટરે જોઈ તપાસી રાહુલભાઈને મૃત જાહેર કર્યા હતા, સનાગર બનાવ અંગે બી ડિવિઝન પોલીસે મૃતકના પિતા મનસુખભાઇ હરગોવિંદભાઈ પરમાર પાસેથી વિગતો મેળવી અ.મોતની નોંધ કરી છે.