માળીયા (મી) તાલુકાના જસાપર ગામમાં મધરાત્રે બે અજાણ્યા ઇસમોએ ઘરની લોખંડની જાળી તથા ડેલીના તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘરમાલીક જાગી જતા અને રાડો કરતા શેરીના લોકો ભેગા થતાં આ બન્ને શખ્સો અંધારાનો લાભ લઈને ખેતરોમાં ભાગી છૂટ્યા હતા. હાલ માળીયા(મી) પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.
માળીયા (મી) તાલુકાના જસાપર ગામે કૃષ્ણ શેરીમાં રહેતા ખેડૂત લાલજીભાઈ નારણભાઈ ડાંગર ઉવ.૩૦ એ માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૭ સપ્ટેમ્બરના રોજ મધરાત્રે તેમના ઘરે ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. રાત્રે પરિવાર સાથે ઘરમાં સુતા હતા ત્યારે આશરે ત્રણ વાગ્યે ઘરની ઓસરીમાં લોખંડની જાળી તોડવાનો અવાજ આવતા ફરિયાદી જાગ્યા હતા. બહાર જોયું ત્યારે આશરે ૩૦ થી ૩૫ વર્ષની ઉંમરના બે અજાણ્યા શખ્સો મુખ્ય દરવાજાની લોખંડની જાળી તોડવાનો પ્રયાસ કરતા હતા. જેમાં એક શખ્સ કાળા રંગનું ટી-શર્ટ અને જીન્સ પહેરેલો હતો. બન્ને ત્યાંથી ભાગી જતા તુરંત લાલજીભાઈએ રાડો-દેકારો કરતા શેરીના લોકો જાગી ગયા અને આ શખ્સોના પાછળ દોડ્યા હતા. પરંતુ તેઓ ગામની સીમમાં ખેતરો તરફ અંધારાનો લાભ લઈને ભાગી છૂટયા હતા. હાલ લાલજીભાઈની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે બંને અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ની તજવીજ હાથ ધરી છે.