સ્વચ્છતાના સંકલ્પ સાથે નવરાત્રી મહોત્સવ સંપન્ન : યંગ ઇન્ડિયા ગ્રુપે કરેલી અપીલને પગલે મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાંથી કચરો એકત્ર કર્યો અને કાયમ સ્વચ્છતા જાળવાના સંકલ્પ લીધા
મોરબી : મોરબીમાં અનોખી ઉજવણી કરી હમેશા તહેવારોને દિપાવતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંતિમ દિવસે સ્વચ્છતા અભિયાન ચલાવીને ખેલૈયાઓએ સ્વચ્છતાના સંકલ્પ લીધા હતા.
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ એકદમ સુરક્ષિત વાતાવરણમાં ભક્તિભાવ સાથે ગરબે ઘૂમ્યા હતા. આ વખતેની પ્રાચીન સંસ્કૃતિની થીમ ઉડીને આંખે વળગે તેવી હતી. તમામ દિવસોમાં બહેનોને અહીં નિઃશુલ્ક એન્ટ્રી આપવામાં આવી હતી. ખ્યાતનામ ગાયક કલાકારોના સથવારે ખેલૈયાઓ અહીં મન મુકીને ઉત્સાહભેર ગરબે રમ્યા હતા.
ગઈકાલે નવરાત્રી મહોત્સવના સમાપનમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગ્રાઉન્ડમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ વેળાએ ખેલૈયાઓને પણ કાયમ સ્વચ્છતા જાળવવાના સંકલ્પ લઈને આ અભિયાનમાં જોડાવાની આદરપૂર્વક અપીલ કરવામાં આવી હતી. ખેલૈયાઓએ આ અપીલને સહર્ષ સ્વીકારી હતી અને ગ્રાઉન્ડમાં સ્વચ્છતા અભિયાન ચલાવી તમામ કચરો એકત્ર કર્યો હતો.
આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમ જગાડતા કાર્યક્રમો થયા હતા. આપણે આપણા નાગરિક તરીકેના કર્તવ્યનું શિસ્તપૂર્વક પાલન કરીએ તે પણ મોટી દેશ સેવા છે. એટલે જ સંકલ્પમાં ખેલૈયાઓ દેશસેવા માટે સંકલ્પબદ્ધ બન્યા હતા. જેમાં ખેલૈયાઓએ સ્વચ્છતાના સંકલ્પ લઈને ગ્રાઉન્ડને સ્વચ્છ પણ બનાવ્યું હતું.
ડો.દેવેનભાઈ રબારીએ અંતમાં જણાવ્યું કે નવરાત્રીને માણી ન શકતા લોકો જેને અહીં લાવીને ગરબે રમાંડ્યાં, તેઓની આંખમાં જોવા મળેલી ખુશીથી એ વાત ચોક્કસ કહી શકાય કે આ નવરાત્રી મહોત્સવ ખૂબ સફળ રહ્યો છે.
હજુ આવનારા વર્ષમાં પણ આનાથી વિશેષ આયોજન કરી દરેક વર્ગના લોકો વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ સુરક્ષિત તેમજ ધાર્મિક વાતાવરણમાં ભાવભેર ગરબે રમી શકે તેવું આયોજન કરીશું.