મોરબી: વિજયા દશમીના પાવન દિવસે મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર પૂજન તથા શાસ્ત્ર પૂજન જેવા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં કુલ ૮૭ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે ૨૨૫ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ અપાયા હતા. ત્રિવિધ કાર્યક્રમ બાદ સૌ કોઈએ સાથે મળીને પ્રસાદ લઈને કાર્યક્રમની પુર્ણાહુતી જાહેર કરી હતી.
મોરબી શહેરના ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા વિજયા દશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે તા. ૨ ઓક્ટોબર, ગુરુવારે ત્રિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર પૂજન તથા શાસ્ત્રનું વિધિવત પૂજન કરાયું હતું. આ કાર્યક્રમનું આયોજન ઔદીચ્ય જ્ઞાતિની ભોજનશાળા, સબજેલ પાસે વાંકાનેર દરવાજા ખાતે સાંજે ૫ વાગ્યે રાખવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ ડૉ. અનિલભાઈ મહેતા તથા મહામંત્રી ભુપતભાઈ પંડ્યાની માહિતી અનુસાર, આ ત્રિવિધ સમારંભમાં ધોરણ ૧ થી લઈને કોલેજ સુધીના કુલ ૮૭ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં પ્રાપ્ત સફળતા બદલ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૨૨૫ જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામનું વિતરણ પણ કરાયું હતું.
આ ત્રિવિધ સમારંભમાં ઔદીચ્ય વિધોતેજક મંડળના આજીવન સભ્યો તેમના પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન બાદ ઉપસ્થિત તમામ જ્ઞાતિજનોએ પ્રસાદ લઈને કાર્યક્રમની પુર્ણાહુતી જાહેર કરવામાં આવી હતી. સમગ્ર આયોજન દરમિયાન સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્રભાઈ મહેતા તેમજ સંસ્થાના પ્રમુખ, મંત્રી તથા સર્વે ટ્રસ્ટી દ્વારા કરવામાં આવેલી સુવ્યવસ્થાને સૌ ઉપસ્થિતોએ બિરદાવી હતી.