મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરે તા. ૨૯ સપ્ટેમ્બરે ઝોન નં. ૪ ની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન સફાઈ કર્મચારીઓની હાજરી, વિવિધ જીવીપી પોઈન્ટ્સ તથા નાલા સફાઈની કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી. “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫” અંતર્ગત ૨૩થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન ધાર્મિક તથા પ્રવાસન સ્થળોએ વિશાળ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, સાથે સાથે વિવિધ આઈઈસી પ્રવૃત્તિઓ દ્વારા નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરે તા. ૨૯ સપ્ટે.૨૦૨૫ના રોજ ઝોન નં. ૪ ની વિગતવાર મુલાકાત લીધી હતી. આ દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઝોન-૪ ના સફાઈ કર્મચારીઓની હાજરીની ચકાસણી કરી હતી. સાથે સાથે પાવર હાઉસ રોડ, રામકૃષ્ણનગર, ત્રાજપર રોડ, શોભેશ્વર રોડ, સખનપરા ચોક તથા ત્રાજપર પ્રાથમિક શાળાની પાસે આવેલા જીવીપી પોઈન્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં કાલિન્દ્રી નદી, ઇન્દિરાનગર, આલાપ પાર્ક સોસાયટી તથા કાલિકા પ્લોટ ખાતે નાલાની સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫” પખવાડિયા અંતર્ગત તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન ધાર્મિક તથા પ્રવાસન સ્થળોની વ્યાપક સફાઈ કરવામાં આવી હતી. જેમાં ધક્કાવાળી મેલડી માતાજી, મોલાઈ રાજા સાહેબ દરગાહ, જડેશ્વર મંદિર, ત્રિલોકધામ, શંકર આશ્રમ, અગ્નેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, સ્વામીનારાયણ મંદિર, મણી મંદિર, રોહિલપીરની દરગાહ, દરબારગઢ, ગ્રીન ચોક, નગર દરવાજા, કુબેરની વાવા, કેસરબાગ અને સુરજબાગ જેવા સ્થળોને સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વિવિધ આઈઈસી પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. જેમાં વિશ્વકર્મા બાલ મદિર સામે વોલ પેઈન્ટીંગ, શાળા વિદ્યાર્થીઓ દ્વારા હ્યુમન ચેઈન બનાવી સ્વચ્છતા સંદેશ આપવો, “એક દિન, એક ઘંટા, એક સાથે” અભિયાન હેઠળ ગાંધી ચોકથી ઉમિયા સર્કલ સુધી મેગા સ્વચ્છતા ડ્રાઈવ, વૃક્ષારોપણ તથા સ્કાય મોલ પાસે નુક્કડ નાટક જેવા કાર્યક્રમોનું આયોજન થયું હતું. મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશ્નર (પ્રોજેક્ટ)એ જણાવ્યું કે આ તમામ પ્રવૃત્તિઓનો હેતુ શહેરવાસીઓમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવાનો છે અને ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાનો છે.