મોરબી તાલુકાના નવી ટીંબડી ગામ નજીક હાઇવે ઉપર ટ્રકના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી આગળ જઈ રહેલા ડબલ સવારી મોટર સાયકલને હડફેટે લેતા, મોટર સાયકલ ચાલક ઇજાગ્રસ્ત થયો હતો, જ્યારે મોટર સાયકલ પાછળ બેઠેલ યુવકને ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના નવી ટીંબડી ગામ નજીક સુંદર મોહન હોટલની સામે રોડ ઉપર અકસ્માતની ઘટનામાં મોટર સાયકલ સવાર એક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. જે અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ માળીયા(મી) ના કજેડા ગામના બે યુવકો અલતાફભાઈ ગફુરભાઈ મોવર ઉવ.૨૪ તથા મોસીનભાઈ ઇસ્માઇલભાઈ મોવર ઉવ.૨૧ કે જે સેંટિંગ કામની મજૂરી કામ કરતા હોય ત્યારે ગત તા.૦૧/૧૦ના રોજ પીપળી ગામ નજીક સેંટિંગ કામ કરતા હોય ત્યારે બપોરના કામ પૂર્ણ થતાં બન્ને યુવકો તેમના કોન્ટ્રાક્ટરનું મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-સીએન-૯૭૫૯ વાળું લઈને કજેડા ગામ પરત જતા હતા ત્યારે, નવી ટીંબડી ગામ નજીક સુંદર મોહન હોટલ સામે પહોચતા પાછળથી આવતા ટ્રક રજી.નં. જીજે-૧૩-એડબ્લ્યુ-૯૯૮૮ના ચાલકે પોતાનો ટ્રક બેફિકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવી ડબલ સવારી મોટર સાયકલને પાછળથી ટક્કર મારતા, મોટર સાયકલ ચાલક અલતાફભાઈને માથામાં અને શરીરે ઇજાઓ પહોંચી હતી, જ્યારે મોટરસાયકલ પાછળ બેઠેલા મોસીનભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. હાલ અલતાફભાઈએ ઉપરોક્ત ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.