વાંકાનેર તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ બે યુવાનોએ પોતાની જાતે જ અંતિમ પગલું ભરી જીવન ટુંકાવ્યું છે. જેમાં ઉત્તરપ્રદેશના ૨૨ વર્ષીય યુવાને પ્લાન્ટની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, જ્યારે બીજા બનાવમાં ૩૦ વર્ષીય મજૂરે પત્નીના ઠપકાથી દુઃખી થઈ એસિડ પી લેતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ત્યારે બંને બનાવો અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના બે અલગ અલગ ગ્રામ્યમાં અપમૃત્યુના બે બનાવો નોંધાયા છે. જેમાં પ્રથમ બનાવમાં વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં આવેલ શ્રી હરી એન્ટરપ્રાઇઝ સેન્ડ સ્ટોનના પ્લાન્ટમાં રહેતા અખિલેશ ચંદ્રબલી યાદવ ઉવ.૨૨ મૂળ રહે. મુસાહરી ગામ, થાણા-કરખાના જી. દેઓરીયા ઉત્તરપ્રદેશ વાળાએ પ્લાન્ટની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર જાતે ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં મનીષભાઈ ભરતભાઈ ચાવડા ઉવ.૩૦ રહે. સિંધાવદર ગાત્રાળનગર તા. વાંકાનેર વાળાને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે પત્નીએ ઠપકો આપ્યો હતો. જેના પગલે મનમાં લાગી જતા મનીષભાઈએ જાતે એસિડ પી લીધું હતું. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તા. ૩ ઑક્ટોબરના રોજ તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.