મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેરને FM રેડિયો સ્ટેશન ફાળવવા માંગ કરવામાં આવી હતી. અને મોરબીમાં હાલ કોઈ રેડિયો સ્ટેશન ન હોવાથી મોરબી જીલ્લાની ૧૨ લાખથી વધુ જનતા આ લાભથી વંચિત રહી જતી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદન પાઠવી જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જીલ્લામાં હાલ એક પણ સરકારી મનોરંજન સેવા (દૂરદર્શન કે ઓલ ઈન્ડીયા રેડિયો કેન્દ્ર) કાર્યરત નથી. સરકારના અનેક કાર્યક્રમોનું પસારણ રેડિયો સ્ટેશન મારફત કરવામાં આવે છે. પરંતુ મોરબીમાં હાલ કોઈ રેડિયો સ્ટેશન ન હોવાથી મોરબી જીલ્લાની ૧૨ લાખથી વધુ જનતા આ લાભથી વંચિત રહી જાય છે. અગાઉ મોરબીમાં દૂરદર્શન કેન્દ્ર કાર્યરત હતું. તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાં FM રેડિયો સ્ટેશનની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં સિરામિક, ઘડીયાળ, પેપરમીલ સહિતના ઉદ્યોગ કેન્દ્ર હોવાથી ભારતભરમાંથી લોકો વેપાર માટે મોરબી આવતા હોય છે. જો મોરબી શહેરને FM રેડિયો સ્ટેશન આપવામાં આવે તો આ લાભ મોરબીની જનતાને મળી શકે, આ રજુઆતને ધ્યાને લઈ મોરબી શહેરને FM રેડિયો સ્ટેશન આપવા ઘટીત કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.