મોરબી શહેરમાં બનેલ ચોંકાવનારી ઘટનામાં છૂટાછેડા થાય અંગે સમાધાનની વાત કરવા આવેલ પૂર્વ પતિએ મહિલાને છરીના આડેધડ ઘા મારી ઇજાગ્રસ્ત કરી હતી, હાલ મહિલાને મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી. ત્યારે સારવાર બાદ મહિલાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં હુમલાખોર પૂર્વ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મોરબી શહેરના વીસીપરા કુલીનગર-૧ માં રહેતા આમેનાબેન કાસમભાઈ બ્લોચ ઉવ.૨૬ જે હાલ પોતાના માતાપિતાની સાથે રહી કેટરિંગનું કામ કરે છે, ત્યારે આમેનાબેને એ ડિવિઝન પોલીસ મથકમાં તેના પૂર્વ પતિ રવિભાઈ નીતિનભાઈ સોલંકી રહે. ત્રિલોકધામ સોસાયટી કુબેરનગરના નળ પાસે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, તા. ૦૨ ઓક્ટોબરના રોજ રાત્રે આશરે ૧૦ વાગ્યાના અરસામાં આમેનાબેન પોતાની નાની બહેન રશીદાબેન સાથે ગોલા બજાર પાસે મકાઈ ખાઈને ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન શંકર આશ્રમ પાસે પહોંચતા જ તેના પૂર્વ પતિ રવીભાઈ મોટરસાયકલ ઉપર આવી આમેનાબેન સાથે છૂટાછેડા થયા અંગેના સમાધાન માટે દબાણ કર્યું હતું પરંતુ આમેનાબેને સમાધાન માટે ના પાડતા રવીભાઈએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં આમેનાબેનના ડાબા હાથની આંગળી, ગળાના ભાગે, નાકથી આંખ સુધી અને ડાબા પડખામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ રવિભાઈ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો.
જે બાદ ઇજાગ્રસ્ત આમેનાબેનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. જ્યાંથી પરત આવી આમેનાબેને મોરબી સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરતા, પોલીસે આરોપી રવીભાઈ નિતીનભાઈ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.