માળીયા(મી) તાલુકાના તરઘરી ગામના અનુસૂચિત જાતિના મહિલા ગ્રામપંચાયત સભ્ય અને ન્યાય સમિતિ અધ્યક્ષ દ્વારા તરઘરી ગામના ચાર વ્યક્તિઓ સામે ગ્રામસભા દરમ્યાન જાહેરમાં અપમાનિત કરવા, ધમકી આપવાની અને જાતિ આધારિત ટિપ્પણીઓ કરવા અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે માળીયા(મી) પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી) તાલુકાના તરઘરી ગામના વતની હાલ રહે.મોરબી-૨ ભક્તિનગર સોસાયટી વાળા રશ્મીકાબેન બિપીનભાઈ પરમાર ઉવ.૩૬ છેલ્લા ચાર વર્ષથી ગ્રામપંચાયત સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે અને હાલમાં ન્યાય સમિતિ અધ્યક્ષ તરીકે હોદ્દો સંભાળી રહ્યા છે. ત્યારે રશ્મીકાબેન પરમારે માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી ભાવેશભાઈ ખીમજીભાઈ સુવારીયા, પ્રકાશભાઈ પ્રેમજીભાઈ ફુલતરીયા, બળવંતભાઈ ભીખાભાઈ કુકરવાડીયા અને ઘેલાભાઈ કચરાભાઈ સુવારીયા બધા તરઘરી ગામના રહેવાસી સામે ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૨ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ તરઘરી ગામ પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ હતી, ગ્રામજનોએ ગામના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી. જેમાં ફરીયાદી તરઘરી ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ હોય અને ફરીયાદી તરઘરી ગ્રામ પંચાયતમાં અનુસુચીત જાતીના પ્રશ્નનો જેમા અનુસુચીત જાતીના સ્મશાનની જમીન બાબતેની રજુઆત કરવા જતા આ દરમિયાન ઉપરોક્ત ચારેય આરોપીઓ આવ્યા અને રશ્મીકાબેન સાથે ઉંચા અવાજે બોલતા ધમકીઓ આપવા લાગ્યા હતા. ફરીયાદી અનુસુચીત જાતીના હોવાનુ જાણતા હોવા છતા આરોપીઓ ફરીયાદીને ન્યાય સમીતીના અધ્યક્ષમાંથી સસ્પેન્ડ કરાવી નાખીશુ તેમ ઉંચા ઉંચા અવાજે બોલી ફરીયાદીને ડરાવી ધાકધમકી આપી ઘર ખાલી કરાવી નાખશુ, ગામમા રહેવા નહિ દઈએ તે રીતે અપમાનિત થાય તેમ બોલી એકબીજાને ગુનામાં મદદગારી કરી ગુનો કર્યા બાબતેની ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.