મોરબીમાં આવારા રોમિયો દ્વારા પ્રેમસંબંધમાં અણબનાવનો ખાર રાખી યુવતીને રાત્રીના નગરદરવાજાના ચોકમાં મળવા બોલાવી હતી, ત્યારે યુવતી તેમના બેન સાથે મળવા જતા, પૂર્વ પ્રેમીએ યુવતીને બેફામ ગાળો આપી, છરી બતાવી તેને અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હાલ પીડિત યુવતીએ હિંમત કરી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના લીલાપર રોડ ઉપર રહેતી એક યુવતી દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી તોફિક ગુલામહુસેન સુમરા રહે.મોરબી વીસીપરા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ઉપરોક્ત આરોપી સાથે ભોગ બનનાર યુવતીને છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હોય, ત્યારે તેમના સંબંધમાં અણબનાવ થતા, બન્ને છેલ્લા છ માસથી એકબીજાને બોલાવતા ન હોય તેમજ કોઈ વાતચીતનો વ્યવહાર પણ ન હોય, ત્યારે ગઈ તા.૦૬/૧૦ ના રોજ આરોપીના મિત્રએ પીડિત યુવતીને ફોન કરીને વાત કરેલ કે ‘તોફિકે ફોન કરવાનું કહ્યું છે અને તારી સાથે મળવું છે’ તેમ કહેતા યુવતીને ડર લાગતો હતો કે, આરોપી તોફિક તેના ઘરે આવશે, એટલા માટે યુવતી રાત્રીના તેમના બેન સાથે નગર દરવાજા ચોકમાં ગયા ત્યારે, આરોપી તોફિક પોતાના મોપેડમાં આવી, યુવતી સાથે વાતચીત કરી બેફામ ગાળો આપવા લાગ્યો અને પેન્ટના નેફામાંથી છરી કાઢીને કહેવા લાગ્યો કે, ‘તને અને તારા ભાઈને જાનથી મારી નાખીશ’. જેથી મારકુટની બીકે ભોગ બનનાર અને તેમના બેન ત્યાંથી તેમના ઘરે જતા રહ્યા હતા. જે બાદ હાલ હિંમત કરી ભોગ બનનાર યુવતી દ્વારા આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા, એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.