મોરબી : મૂળ મોરબીનો યુવક સાહિલ માજોઠી હાલમાં યુક્રેન આર્મીની કસ્ટડીમાં હોવાનું સામે આવ્યું છે. અઢી વર્ષ પહેલાં ભણવા માટે રશિયા ગયેલો સાહિલ હવે રશિયા–યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાઈ ગયો હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ, સાહિલ પહેલા ડ્રગ્સના ખોટા કેસમાં રશિયન પોલીસ દ્વારા ધરપકડ કરાયો હતો. બાદમાં રશિયન તંત્રએ તેને યુદ્ધમાં લડવા માટે મોકલી આપ્યો, જ્યાંથી પોતાની સુરક્ષા માટે સાહિલે યુક્રેન આર્મી સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
થોડા દિવસો પહેલા સાહિલનો એક વિડિઓ સામે આવ્યો, જેમાં તે પોતાના દુઃખદ અનુભવો જણાવી રહ્યો છે — કેવી રીતે તે ભણવા ગયો હતો અને કઈ રીતે અનિચ્છાએ યુદ્ધના મેદાન સુધી પહોંચી ગયો.આ ઘટનાને પગલે સાહિલના પરિવારજનો પણ સામે આવ્યા છે. તેના માસા અબ્દુલભાઈ માજોઠીએ જણાવ્યું કે, “સાહિલને ક્યારેય નશો કરવાની કે કોઈ પણ પ્રકારના વ્યસનની ટેવ નહોતી. તે ભણવા માટે ગયો હતો, પરંતુ તેની સાથે અત્યંત અન્યાય થયો છે.”પરિવારજનો દ્વારા ભારત સરકારને અપીલ કરવામાં આવી છે કે સાહિલને સલામત રીતે ભારત પરત લાવવામાં આવે અને તેની સ્થિતિ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
મળતી માહિતી મુજબ, સાહિલની માતા અને મામા હાલમાં અમદાવાદની એક સરકારી ઓફિસમાં સંપર્ક માટે પહોંચ્યા છે, જ્યાં તેઓએ સંબંધિત અધિકારીઓને તેમની મદદ માટે વિનંતી કરી છે.આ આખી ઘટના મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચિંતા અને ચર્ચાનો વિષય બની છે, કારણ કે એક ભણવા ગયેલો યુવક બે દેશોના સંઘર્ષ વચ્ચે ફસાઈ ગયો છે.