માનવ સેવા, કોમી એકતા અને સર્વધર્મ સમભાવના જીવંત ઉદાહરણ રૂપે મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા ૨૭ માં હિન્દુ-મુસ્લિમ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પવિત્ર અને અનોખો કાર્યક્રમ આવનારા રવિવાર, તા. ૩૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ મોરબી મુકામે યોજાવાનો છે.
મોરબીનાંહઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા રવિવાર, તા. ૩૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ ૨૭ માં હિન્દુ-મુસ્લિમ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમૂહ લગ્ન મહોત્સવમાં ૫૧ હિન્દુ તથા ૫૧ મુસ્લિમ એમ કુલ ૧૦૨ દંપતિઓ નવા જીવનની શરૂઆત એક જ મંડપ નીચે કરશે. હિન્દુ પરંપરા અનુસાર મંગલફેરા તથા મુસ્લિમ પરંપરા અનુસાર નિકાહ કલમાં પઠી, બંને વિધિઓ સાધુ-સંતો, ફકીરો અને વિવિધ ધર્મગુરુઓની હાજરીમાં પૂર્ણ થશે. આ રીતે “એક મંડપ – બે પરંપરા”ના સ્વરૂપે મોરબી ફરી એક વાર કોમી એકતાનું અદભૂત ઉદાહરણ પૂરું પાડશે. આ પવિત્ર કાર્યની શરૂઆત મોરબીના સર્વધર્મ સન્માન અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે લોકપ્રિય સૈયદ હાજી એહમદ હુસેન મીયા બાપુ કાદરીએ કરી હતી. છેલ્લા ૨૬ વર્ષથી આ સમૂહ લગ્ન સતત યોજાતા આવ્યા છે અને હજારો દંપતિઓએ અહીંથી નવા જીવનની શરૂઆત કરી છે. સમાજના ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવાર માટે આ આયોજન આશીર્વાદ સમાન છે, કારણ કે સંસ્થા તરફથી દંપતિઓને ઘરગથ્થુ સામાન તથા જરૂરી જીવનોપયોગી વસ્તુઓ ભેટરૂપે આપવામાં આવે છે. રાજકીય, સામાજિક, ધાર્મિક તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો સહિત અનેક મહાનુભાવો દર વર્ષે આ અનોખા કાર્યક્રમમાં હાજરી આપી કોમી એકતા અને ભાઈચારાના સંદેશને આગળ ધપાવે છે.
આ સમૂહ લગ્ન મહોત્સવમાં ભાગ લેવા ઈચ્છુક જરૂરિયાતમંદ દુલ્હા-દુલ્હન, વર-કન્યાએ સમયસર પોતાના લગ્ન ફોર્મ મેળવી તથા પૂર્ણ કરી સંસ્થાને જમા કરાવવાના રહેશે. ફોર્મ મેળવવા તથા વિગતવાર માહિતી માટે ઈકબાલભાઈ હુસેનભાઇ રાઠોડ – હાજી એહમદ હુસેન બાપુની ઓફિસ, સિપાઈ વાસ, મોરબી : 91734 92327, બચુભાઈ ચાનીયા – અયોધ્યાપુરી મેઇન રોડ, મોરબી : 98256 45844, મહેશભાઈ – હોટલ ડિલક્સ, નહેરુગેટ પાસે, કે.બે.બેકરીની બાજુમાં, મોરબી : 98793 10595 તથા વિમલભાઈ દખતરી – એરવોઈઝ ગ્રીન ચોક, મોરબી : 80000 01811 નો સંપર્ક કરવાનો રહેશે. આ આયોજનમાં ભાગ લેનાર સૌભાગ્યશાળી દંપતિઓ માટે સંસ્થા તરફથી સર્વસુવિધાયુક્ત વ્યવસ્થા કરવામાં આવશે. આ રીતે મોરબી શહેર આવનારા ૩૦ નવેમ્બરે ફરી એકવાર કોમી એકતાનું અનોખું સંદેશ આપશે, જ્યાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારો અને માનવતાનું સંગમ એક જ મંડપ હેઠળ જોવા મળશે.