બનાવની વિગતો મુજબ સાત વર્ષ પહેલા તારીખ 01/09/2025 ના રોજ આરોપી સંજય ગાંડુભાઈ ભરવાડ (રહે. ભરવાડ શેરી,હાલ શ્યામ પાર્ક પંચાસર રોડ) તથા વિવેક ભરતભાઈ ઝાલા મોરબી વાળાઓએ ફરિયાદી સાગર કાંતિલાલ ચાવડા (રહે.નાની વાવડી) પર છેડતીની શંકાના આધારે વાવડી ચોકડી નજીક, ગૌશાળા પાસે રોડ પર આંતરીને ઉપરોક્ત બાબતે ઝઘડો કરી ઢીંકા-પાટુંનો મૂંઢ માર મારી બાદમાં સંજય ભરવાડે પોતાની પાસે રહેલી છરીથી ફરિયાદી સાગર પર હુમલો કર્યો હતો.જે હુમલામાં આરોપી સંજયે સાગરના ડાબા હાથના કાંડાથી પંજા સુધીના હાથ પર છરીના ખુન્નસપૂર્વક ઘા કરતા સાગરનો પંજો હાથથી છૂટો પડી ગયો હતો.જેથી તે લોહીલુહાણ થઈ ગયો હતો.આ ઝપાઝપી દરમ્યાન સાગરના ડાબા પગના ગોંઠણના ભાગે પણ છરીનો એક ઘા મારતા સાગર સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો તેમજ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કરી બન્ને આરોપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.બાદમાં સાગરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ પરથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપરોક્ત કેસ ગઈકાલે તારીખ ૮/૧૦/૨૦૨૫ ના રોજ મોરબી કોર્ટમાં ચાલી જતા દસ્તાવેજી તેમજ મૌખિક પુરાવા અને સરકારી વકીલની ધારદાર દલીલો તેમજ ફરિયાદ પક્ષ તરફથી રોકાયેલ વકીલ જીતેન ડી.અગેચાણીયાની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા બંને આરોપીઓને ચાર વર્ષ ની સખ્ત કેદની સજા ફટકારી છે તેમજ ભોગબનનારને કુલ રૂપિયા ૭૦૦૦૦ નું વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે.