ગોલાસણ ગામની વાડીમાંથી જમીનમાં દાઢેલ ત્રણ બેરલમાંથી ઇંગ્લીશ દારૂ મળી આવ્યો.
હળવદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોલાસણ ગામની સીમમાં આવેલી વાડી પર મોડીરાતે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે જમીનમાં દાઢેલા ત્રણ બેરલમાંથી કુલ ૧૯૫ બોટલ વિદેશી દારૂ કિમત રૂ.૨,૫૩,૫૦૦/- નો જથ્થો કબજે કર્યો હતો. રેઇડ દરમ્યાન એક આરોપી પકડાયો જ્યારે બીજો અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો.
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોડીરાત્રે બાતમી મળી કે, ગોલાસણ ગામનો સુરેશ જેસીંગભાઈ સુરેલા પોતાની ગોલસણ નજીક વાડીના શેઢે બેરલોમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંગ્રહ કરી વેચાણ અર્થે રાખ્યો છે. બાતમીના આધારે હળવદ પોલીસ ટીમે ગોલાસણ ગામે રેઇડ કરવા જતા હોય ત્યારે ગોલસણ ગામે સુરેશભાઈની વાડી નજીક પહોંચતાં એક મોટર સાઇકલ પર બે ઇસમ આવતા દેખાયા. જેથી પોલીસે રોકાવાનો ઇશારો કરતાં પાછળ બેસેલો ઇસમ અંધારાનો લાભ લઇ ભાગી ગયો, જ્યારે મોટર સાઇકલ ચલાવતો ઇસમ તેજશભાઈ ઉર્ફે પિન્ટુ નરશીભાઈ લાંઘણોજા રહે. ખાખરેચી તા. માળીયા(મી) વાળો પકડાઈ ગયો હતો. અને આરોપીએ સ્વીકાર્યું કે તે ગોલાસણના સુરેશ સુરેલા પાસેથી ઇંગ્લીશ દારૂ લેવા આવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરતા વાડીમાં શેઢામાં જમીનમાં દાઢેલા ત્રણ બેરલ મળી આવ્યા, જેમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૧૯૫ બોટલ કિ.રૂ.૨,૫૩,૫૦૦/- મળી આવી હતી. સાથે જ હિરો કંપનીનું સીડી ડીલક્સ મોટરસાયકલ રજી.નં. જીજે-૧૩-જેજે-૦૪૯૦ કિ.રૂ.૩૦ હજાર સહિત કુલ રૂ.૨,૮૩,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પોલીસે આરોપી તેજશભાઈ લાંઘણોજાની અટક કરી હતી, જ્યારે મુખ્ય આરોપી સુરેશભાઈ જેશીંગભાઈ સુરેલાને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.