મોરબી શહેર તથા ટંકારા તાલુકાના વાઘગઢ ગામ સહિત ત્રણ અલગ અલગ સ્થળોએ અપમૃત્યુના બનાવો સામે આવ્યા છે. મોરબી શહેરમાં એક યુવતીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી, તાલુકા શાળાના મેદાનમાં એક પરપ્રાંતિય યુવાને ઝાડ પર ફાંસો ખાઈ જીવ ગુમાવ્યો જ્યારે ટંકારા તાલુકાના વાધગઢ ગામે ત્રણ વર્ષની માસુમ બાળકી તળાવમાં ડૂબી જતા કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ત્રણેય બનાવોમાં પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવમાં મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અ.મોત મુજબ, પુનમબેન યોગેશભાઇ ઝાલા ઉવ.૧૯ રહેવાસી ગાયત્રીનગર-૧ વાવડી રોડ મોરબીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. જેમાં મૃતક પુનમબેનના જાહેર કરનાર યોગેશભાઇ ઝાલા સાથે બે મહિના પહેલાં પ્રેમલગ્ન થયા હતા. ગઇકાલ તા.૧૦/૧૦ના રોજ યોગેશભાઈની તબિયત સારી ન હોય અને તેની સગી બહેન ક્રિષ્ના તેના સગાભાઇ યોગેશનુ માથુ દબાવતી હોય જે બાબતનું મરણજનારને માઠુ લાગી આવતા પોતાના ઘરમા પડેલ ઉંદર/કિડા મારવાની બોટલમાથી દવા પી લેતા સૌ-પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ ત્યારબાદ વધુ સારવાર અર્થે શુભ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ જ્યા સારવાર દરમ્યાન ડોક્ટરે પૂનમબેનને મરણ ગયા હોવાનું જાહેર કર્યું હતું. ત્યારે એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે.
બીજા અપમૃત્યુના બનાવ અંગે મળતી વિગતો અનુસાર, ગોવિંદકુમાર રામદીન ગૌતમ ઉવ.૧૮ મૂળ અમેઠી- ઉત્તર પ્રદેશ, હાલ રહે પાવડીયારી એકઝોલી સિરામિક મોરબી વાળાએ મોરબી તાલુકા શાળા નં. ૧ના ગ્રાઉન્ડમાં આવેલ ઝાડની ડાળી પર દુપટા વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ સદાણિયાએ આ બનાવની જાણ કરતા, પોલીસે મૃતદેહ કબજામાં લઈને પીએમ માટે ખસેડ્યો હતો અને પ્રાથમિક તપાસના આધારે પોલીસે અ. મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના ત્રીજા બનાવ ટંકારા પોલીસ સ્ટેશન હદમાં નોંધાયો છે. જે અનુસાર, રેખા ચંદુભાઇ ધાણુક ઉવ.૦૩ હાલ રહે. વાધગઢ ગામ મુળરહે.કોલીયાથોર છોટાઉદેપુર પોતાના પિતાજીએ ભાગીયું રાખેલ વાડી પાસે રમતી હતી ત્યારે રમતા રમતા નજીકના તળાવમાં પડી ગઈ હતી. જેથી બાળકીને બેભાન હાલતમાં ટંકારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી માસુમ બાળકીને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ ટંકારા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.