મોરબી જીલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનશક્તિ, જળ શક્તિ, રક્ષાશક્તિ, ઊર્જાશક્તિ અને જ્ઞાનશક્તિ એ પાંચ શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું છે. આજે વંચિત અને છેવાળાના લોકો સુધી સરકાર પહોંચી છે અને યોજનાઓની અસરકારક અમલવારી શક્ય બની છે. સરકારના ભગીરથ પ્રયાસોથી આજે ગામડાની વિભાવના બદલી છે, આરોગ્ય, શિક્ષણ, પાણી, રોડ-રસ્તા સહિતના વિકાસ કાર્યો થકી ગામડાઓ વિકસિત બન્યા છે. ગામડાઓમાં શાળા અને આરોગ્ય કેન્દ્રના અધ્યતન બન્યા છે. જ્યોતિગ્રામ યોજનાથી ૨૪ કલાક નિયમિત વીજળી શક્ય બની છે. ગામડાઓમાં વિશાળ પ્રમાણમાં રોજગારીઓનું સર્જન કરવામાં આવ્યું છે તથા પીએમ કિસાન નિધિ સહિતની અનેક યોજનાઓએ ખેડૂતોને સબળ બનાવ્યા છે. વધુમાં તેમણે સૌને સ્વદેશી વસ્તુઓ અપનાવવા અનુરોધ કર્યો હતો.
ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, જન જન સુધી વિકાસની ફલશ્રુતિ પહોંચાડવા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ અને ગુજરાતમાં થયેલ વિકાસ થકી આજે સામાન્ય વ્યક્તિના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વધુમાં મંત્રીની ઉપસ્થિતિમાં વઘાસિયા ગામના તળાવના વિકાસ માટે તેમની ગ્રાન્ટમાંથી નાણાકીય રાશી ફાળવવામાં આવી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને વિકાસ ભારત પ્રતિજ્ઞા પણ લીધી હતી.
આ પ્રસંગે વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મામલતદાર કે.વી. સાનિયા, તાલુકા વિકાસ અધિકારી પાયલબેન ચૌધરી, અગ્રણી હરુભા ઝાલા, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, વઘાસિયા તથા આજુબાજુ ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.