હળવદ તાલુકાના સુસવાવ ગામ નજીક માળીયા હળવદ હાઈવે પર અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પુરઝડપે વાહન હંકારી પરપ્રાંતિય યુવકને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકના કુટુંબી ભાઈની ફરિયાદને આધારે હળવદ પોલીસ દ્વારા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા માર્ગ અકસ્માતની ફરિયાદ અનુસાર, તા. ૦૪ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ રાત્રે સુસવાવ ગામના પાટિયા પાસે માળીયા-હળવદ હાઇવે ઉપર હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી. જેમાં ફરિયાદી લાલસિંહ ભંતાસિંહ તોમર ઉવ.૨૪ રહે હાલ લખતર તાલુકાના વણા ગામની સીમમાં ચંદુલાલ પટેલની વાડીમાં મૂળરહે.મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના અંબાડબેરી ગામના વતનીના કાકાના દીકરા રમેશ શંકરભાઇ તોમર હળવદ તાલુકાના ઇશ્વરનગર થી રણજીતગઢ કપડાંની ખરીદી કરી પરત આવતા હોય ત્યારે ઉપરોક્ત સુસવાવ ગામના પાટીયા નજીક હાઇવે રોડ ઉપર અજાણ્યા વાહનચાલકે પોતાના હવાલાવાળું વાહન બેદરકારીપૂર્વક અને પુરઝડપે હંકારીને રમેશભાઈને ટક્કર મારી, ગંભીર ઈજા પહોંચાડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપરથી લઈને નાસી ગયો હતો. હાલ મૃતકના કુટુંબી ભાઈ લાલસિંહની ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.