મોરબીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા “આત્મનિર્ભર ભારત” અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ, ધારાસભ્યો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”ના નારા સાથે આત્મનિર્ભર ભારતના સંદેશને ઘેરઘેર પહોંચાડવાના શપથ સાથે સંકલ્પ કરવામાં આવ્યો હતો.
મોરબી શહેરમાં આજરોજ તા.૧૨ ઓક્ટોબરના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા “આત્મનિર્ભર ભારત” અભિયાન અંતર્ગત વિશાળ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, સાંસદ કેશરીદેવસિંહ, તથા ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં ભાજપના અગ્રણીઓએ આત્મનિર્ભર ભારતના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં શરૂ કરાયેલ ૯૦ દિવસીય વિશેષ કાર્યક્રમ અંતર્ગત આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિથી શરૂ થઈને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ સુધી ચાલુ રહેશે. અભિયાનનો મુખ્ય ધ્યેય ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના નારા સાથે લોકોમાં સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાનો છે. કાર્યશાળામાં જીલ્લા અને શહેર સ્તરના અગ્રણીઓ ઉપરાંત અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિવિધ વક્તાઓએ આત્મનિર્ભર ભારતના વિચારને જીવનમાં ઉતારવા માટે પોતાના વિચારો રજૂ કર્યા અને કાર્યકર્તાઓને આ અભિયાનને જીલ્લાના પ્રત્યેક ગામ અને ઘરે ઘરે પહોંચાડવા માટે આહ્વાન કર્યું હતું.