મોરબી શહેરમાં વર્ષ ૨૦૦૨માં થયેલા લૂંટ વિથ મર્ડરના ગુનામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતો ફરતો આરોપી, જે ઉત્તરપ્રદેશના મથુરા જીલ્લામાં સાધુનો વેશ ધારણ કરી મંદિરમાં સેવા પૂજા કરતો હતો, તેને મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી પ્રેમસિંહ ઉર્ફે ગુડ્ડુ બઘેલને કોર્ટના વોરંટ હેઠળ કબજે લઈ વધુ તપાસ માટે મોરબી સીટી પોલીસને સોંપવામાં આવ્યો છે.
મોરબી શહેર પોલીસ સ્ટેશનમાં તા. ૦૭/૦૫/૨૦૦૨ના રોજ નોંધાયેલ ફરિયાદ મુજબ, મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા ચંપાબેન અશોકભાઈ વરાણીયા ઉવ.૬૦ને આરોપીએ કપડાં વડે ગળું દબાવી મોત નીપજાવ્યું અને તેમની પાસેના સોનાના દાગીના તથા ચાંદીના કડલા લૂંટી નાસી ગયો હતો. બનાવ બાબતે મોરબી પોલીસે આરોપીઓ વિરુદ્ધ લૂંટ વિથ મર્ડરની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપીઓ તરીકે (૧)સોનલબેન ઉર્ફે ધર્માવતી પરમાર રહે. વડોદરા અને (૨)પ્રેમસિંહ ઉર્ફે ગુડ્ડુ સરમનસિંહ બઘેલ રહે. રાજસ્થાનના નામ ખુલ્યા હતા. જે બાદ પોલીસે અનેક પ્રયાસો છતાં બંને આરોપીઓ ફરાર રહ્યા હતા, જેના કારણે કોર્ટ દ્વારા તેમની સામે સી.આર.પી.સી. કલમ ૭૦ હેઠળ વોરંટ અને ક્લમ ૮૨(૨) હેઠળ ફરાર જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ૨૩ વર્ષ બાદ આરોપીને પકડી લેવામાં મળેલી સફળતામાં મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો ટીમે ખાનગીરાહે મળેલ માહિતી તથા ટેકનિકલ માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમને માહિતી મળી કે આરોપી પ્રેમસિંહ ઉર્ફે ગુડ્ડુ ઉત્તરપ્રદેશ રાજ્યના મથુરા જીલ્લાના છાતા તાલુકાના તરોલી જાનુબી ગામની સીમમાં આવેલા હનુમાન મંદિરમાં સાધુ તરીકે રહે છે. જેથી મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે મથુરા પહોંચી સ્થાનિક પોલીસની મદદથી સાધુના વેશમાં મંદિરમાં પૂજા કરતા આરોપી પ્રેમસિંહ ઉર્ફે ગુડ્ડુ સરમનસિંહ બઘેલ મૂળ રહે.અવાર તા.કુમ્હેર જી.ભરતપુર (રાજસ્થાન) હાલ રહે.હનુમાન મંદિર તરોલી જાનુબી ગામની સીમ છાતા જી.મથુરા(ઉ.પ્ર.) વાળાને ઝડપી લઈ તેને હસ્તગત કરી મોરબી ખાતે લાવી સીટી પોલીસ મથકમાં સોંપી આપેલ છે.