મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાં હળવદ હાઈવે પર બીસ્કોઈન કારખાનાની સામે એક અજાણી સ્ત્રીની લાશ મળી આવી છે. અજાણ્યા શખ્સોએ સ્ત્રીની હત્યા કરી લાશને સળગાવી દીધી હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસે નાગરિકોને આ અજાણી સ્ત્રી વિષે કોઈ માહિતી હોય તો તાત્કાલિક મોરબી તાલુકા પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હત્યા કેસમાં મળતી માહિતી અનુસાર, તા.૧૩ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ એક અજાણી સ્ત્રી ઉંમર આશરે ૪૫ થી ૫૦વર્ષની ગમે તે રીતે હત્યા કરી, પછી તેની લાશને મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાં બીસ્કોઈન કારખાનાની સામે મોરબી-હળવદ હાઈવે રોડની બાજુએ લઈ જઈ સળગાવી નાખી હતી. પોલીસને ઘટનાસ્થળેથી મળેલા પુરાવા પરથી એવું સ્પષ્ટ થાય છે કે લાશને આગ લગાવવામાં આવી હતી જેથી ઓળખ ન થઈ શકે. હાલ સુધી મૃતક સ્ત્રીની કોઈ ઓળખ અથવા વાલીવારસ મળી આવ્યા નથી. મોરબી તાલુકા પોલીસ દ્વારા મૃતક સ્ત્રીની ઓળખ મેળવવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ આ સ્ત્રીને ઓળખે છે અથવા તેના વિશે કોઈ માહિતી ધરાવે છે તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મો.નં. ૬૩૫૯૬ ૨૬૦૬૬ તથા તપાસ અધિકારી મોરબી તાલુકા પોલીસ મથક પીઆઇ એસ.કે. ચારેલ મો.નં.૭૫૬૭૫૨૮૬૦૨ ઉપર સંપર્ક કરી જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.