રૂ.૨૫ હજારનો મુદામાલ ચોરાયો, પેનલમાં પણ તોડફોડ કરી.
ટંકારા તાલુકાના મિતાણા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી અજાણ્યા ચોરોએ અર્થીંગ કેબલ અને તાંબાની પ્લેટ સહિતનો રૂ.૨૫ હજારનો મુદામાલ ચોરી કરી લઇ જવાની ઘટના સામે આવી છે. ચોરી બાદ પવનચક્કીની પેનલમાં પણ તોડફોડ કરાઇ હતી.
ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ મુજબ, ફરીયાદી પુનીતભાઈ પ્રેમનાથ રાવલ ઉવ.૩૪ રહે.હાલ ટંકારા ધર્મભકિત સોસાયટીમાં મૂળરહે. ખડગદા, તા. સાગવાડા, જી. ડુંગરપુર(રાજસ્થાન)વાળાની ફરિયાદી મુજબ, તા.૧૯ મે ૨૦૨૫ના રાત્રિના અરસામાં મિતાણા ગામની સીમમાં આવેલી પવનચક્કી નંબર-MTN-01 ખાતે અજાણ્યા ચોરોએ પવનચક્કીના ગેટનો નકુચો તોડી કન્વર્ટર કેબીનમાંથી અર્થીંગ કેબલ આશરે ૧૦ મીટર વજન ૧૫ કિગ્રા જેની કિંમત રૂ.૧૭,૦૦૦/- અને ૩૦૦ ચોરસ મીમીની તાંબાની પ્લેટ વજન ૮ કિગ્રા કિ.રૂ.૮,૦૦૦/-, એમ કુલ રૂ.૨૫,૦૦૦/-ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હતા. તદુપરાંત ચોરોએ પવનચક્કીની પેનલમાં આવેલી વસ્તુઓમાં તોડફોડ કરી આશરે રૂ.૫,૦૦૦/-નું નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળે છે. ચોરીની આ ઘટના બાદ ફરિયાદીએ પોતાની સિક્યુરિટી કંપનીને જાણ કરવામાં આવી હતી અને તેમના તરફથી તપાસ કરવામાં આવી રહી હતી. પરંતુ આજદિન સુધી કોઇ માહિતી ન મળતા, આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. હાલ ટંકારા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.