મોરબી શહેરના દલવાડી સર્કલ પાસે અજાણ્યા ઈસમે યુવકના બાઇક સાથે પાછળથી મોટરસાયકલ અથડાવી ઈજાનું બહાનું બનાવી હોસ્પિટલ લઈ જવાની વાત કરી હતી. દરમ્યાન અજાણ્યા ઇસમે છરી બતાવી ધમકી આપી રૂ.૮૫,૦૦૦ લૂંટી લઈ જવાની ઘટના સામે આવી છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબી-કંડલા બાયપાસ દલવાડી સર્કલ પ્રધાનમંત્રી આવાસ યોજના બ્લોક નં.બી-૧૨માં રહેતા દેવમભાઈ વિકાસભાઈ રીયા ઉવ.૧૯ ગત તા. ૦૮/૧૦ના રોજ પોતાના કામના અગંડીયા પાસેથી રૂ.૮૫,૦૦૦/- લઈ મોરબી શહેર તરફ આવી રહ્યા હતા. ત્યારે દલવાડી સર્કલથી આગળ કેનાલ પાસે એક અજાણ્યા ઇસમે ઉંમર આશરે ૨૫ થી ૩૦ વર્ષ વાળાએ તેમના મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી. ત્યારબાદ તે વ્યક્તિએ ફરીયાદીને ઈજા થવાનુ બહાનું બનાવી કહ્યું કે સારવાર માટે હોસ્પિટલ લઈ જાઓ જેથી ફરીયાદી તેના સાથે મોટરસાયકલ પર બેઠા અને બંને હોસ્પિટલ જવા નીકળ્યા. પરંતુ માર્ગમાં જ આરોપીએ અચાનક છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી, અને બળજબરીપૂર્વક ફરીયાદી પાસેથી રૂ.૮૫,૦૦૦/- લઈ ગયો હતો. હાલ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.