મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં આવેલા નેલ્સન લેમીનેટ કારખાનાની લેબર ક્વાર્ટરની છત ઉપર રાત્રે સુતા ત્રણ શ્રમિકોના કુલ ચાર મોબાઇલ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા હોય. ત્યારે શ્રમિકોએ રૂ. ૪૮,૦૦૦ના ૪ નંગ મોબાઇલ ગુમ થયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાવી છે.
મોરબી તાલુકાના હરીપર(કેરાળા) રોડ પર સ્થિત સાદુળકા ગામની સીમમાં આવેલા નેલ્સન લેમીનેટ કારખાનાની લેબર ક્વાર્ટર કોલોનીમાં ત્રણ શ્રમિકો રાત્રે છત પર સુતા હતા ત્યારે ચોરીની ઘટના બની હતી. જે અંગે ફરીયાદી ઉત્તમભાઈ ગણાજીભાઈ પરમાર ઉવ.૨૮ રહે. નેલ્સન લેમીનેટ લેબર ક્વાર્ટર મૂળ રહે.કિયાલ ગામ તા.રાહ જી.થરાદ વાળાએ પોલીસમાં આપેલી વિગત મુજબ, તા. ૧૧ ઑક્ટોબરની રાત્રે તે અને તેના સાથી શ્રમિકો હાજાભાઈ ચૌધરી તથા ભરતભાઈ ચૌધરી છત ઉપર સુતા હતા. રાત્રે આશરે બે વાગ્યે તેઓ જાગ્યા ત્યારે પોતાના મોબાઇલ જોવા મળ્યા ન હતા. ત્યારે અજાણ્યા ચોર ઇસમે કુલ ૪ મોબાઇલ, જેમાં વીવો, મોટોરોલા અને ઓપ્પો કંપનીના મોબાઇલનો સમાવેશ થાય છે જે ચોરી કરી ગયા હતા. ચોરાયેલા મોબાઇલની અંદાજિત કિંમત રૂ. ૪૮,૦૦૦ ગણાઈ છે. આ સાથે મોબાઇલ ચોરી અંગે ઈ-એફઆઈઆર નોંધાવી અને બાદમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં રૂબરૂ હાજર રહી વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ચોરીની કલમ હેઠળ ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.