વાંકાનેર તાલુકાના સરધારકા ગામે જૂની પૈસાની લેતીદેતી બાબતના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ ખેડૂત ઉપર લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. હાલ ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામે રહેતા ખેડૂત ધીરૂભાઈ લખમણભાઈ ધરજીયા ઉવ.૫૨ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તા. ૧૩ ઓક્ટોબર ૨૦૨૫ના બપોરે તેઓ તેમના કાકા નવઘણભાઈ સાથે મોટર સાયકલ ઉપર વાંકાનેર જવા નીકળ્યા હતા. ત્યારે સરધારકા ગામના પાદરમાં રોકાયા દરમિયાન સરધારકા ગામના વેલુભા ઘનુભા ઝાલા તથા ખનુભા ઝાલાએ આવી તેમની સાથે બોલાચાલી કરી અને અગાઉની પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો કર્યો હતો. બાદમાં બંનેએ ધીરૂભાઈને ધમકી આપી અને ત્યાંથી નીકળી ગયા હતા. થોડી વારમાં ધીરૂભાઈ તથા નવઘણભાઈ શીતળામાતા મંદિર પાસે પહોંચ્યા ત્યારે વેલુભાના ભત્રીજા કાનભા ઝાલા ત્યાં લાકડી લઈને આવ્યો હતો. કાનભાએ લાકડી વેલુભાને આપતા વેલુભાએ ધીરૂભાઈને વાસા અને પગના ભાગે લાકડી વડે માર માર્યો હતો, જ્યારે ખનુભાએ તેમને ઝાપટો મારી ગાળો આપી વધુ માર મારવાની ધમકી આપી ભાગી ગયા હતા. જે બાદ ઇજાગ્રસ્ત ધીરુભાઈને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ કુવાડવા સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.