મોરબી જીલ્લામાં અલગ અલગ સ્થળોએ બે અપમૃત્યુના બનાવો બન્યા છે. મકનસર ગામે છાતીમાં દુખાવો થતાં ૬૧ વર્ષીય વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ટંકારા નજીક જબલપુર ગામની સીમમાં માનસિક બીમારીથી પીડાતા યુવાનનું પડી જતા મોત નિપજ્યું છે. બંને બનાવોમાં પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકાના મકનસર ગામમાં ગત રાત્રે એક વૃદ્ધનું છાતીમાં તીવ્ર દુખાવા બાદ મૃત્યુ થયું હોવાનું નોંધાયું છે. મકનસર ગામના રહેવાસી વાસુદેવભાઈ કુવરજીભાઈ કવાડીયા ઉવ.૬૧ રાત્રે દસ વાગ્યાના અરસામાં પોતાના ઘરે છાતીમાં દુખાવો ઉપડતા, તેમના પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે મોરબી લઇ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે અપમૃત્યુનો બીજો બનાવ ટંકારા પોલીસ સ્ટેશન હદમાં બન્યો હતો. ખજુરા હોટેલથી આગળ જબલપુર ગામની સીમમાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. મૃતકની ઓળખ નરેશભાઈ ઉર્ફે ટીનો જેણાજી બકરાણીયા ઉવ.૩૬ રહે. કરકથલ તા. વિરમગામ જી. અમદાવાદ તરીકે થઈ છે.
મૃતકને માનસિક બીમારીની તકલીફ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ રખડતા ભટકતા સમયે પડી જતા પગની ઘૂંટી પાસે ગંભીર ઇજા થતાં અને લોહી વહી જવાથી તેમનું મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ અંગે મૃતકના પિતા જેણાજી દેવાજી બકરાણીયા ઉવ.૭૦ ટંકારા પોલીસમાં પ્રાથમિક વિગતો આપતા પોલીસે અ. મોત રજીસ્ટર કરી છે.